તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
બેથી વધુ બાળકો ધરાવતા ઉમેદવારને ચૂંટણી લડતા અટકાવતા કાયદા સામે સુપ્રીમનો સવાલ
આવા કાયદાની બંધારણીય માન્યતા અને ઔચિત્ય પર નવેસરથી વિચારણાની જરૂરઃ સર્વોચ્ચ અદાલત

નવી દિલ્હી તા.૧૭: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં બેથી વધુ બાળકો ધરાવતા લોકોને પંચાયત અને અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી લડતા રોકવાની નીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અદાલતે મૌખિક ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, ભારત જેવા દેશમાં, જ્યાં પ્રજનન દર સતત ઘટી રહ્યો છે, ત્યાં આવા કાયદાની બંધારણીય માન્યતા અને ઔચિત્ય પર નવેસરથી વિચાર કરવાની જરૂર છે.
એક અહેવાલ મુજબ, જાસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જાસ્ટિસ આલોક અરાધેની ખંડપીઠ મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત અધિનિયમ, ૧૯૫૯ ની કલમ 14(1)(j-1) સાથે જોડાયેલા કેસની સુનાવણી કરી રહી હતી. સુનાવણી દરમિયાન ખંડપીઠે સંકેત આપ્યો હતો કે વર્ષ ૨૦૦૩માં ‘જાવેદ વિરુદ્ધ હરિયાણા રાજ્ય' કેસમાં હરિયાણાના આવા જ એક કાયદાને યોગ્ય ઠેરવતા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પણ પુનર્વિચાર કરવાની જરૂર પડી શકે છે.
આ મામલો કાકોડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મંગલા ભીમરાવ સાથે જોડાયેલો છે, જેમને ત્રીજા બાળકના જન્મ બાદ મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત અધિનિયમ હેઠળ ગેરલાયક જાહેર કરવામાં આવ્યા હતા. આ જોગવાઈ ૧૩ સપ્ટેમ્બર ૨૦૦૦થી અમલમાં છે, જેના અંતર્ગત બેથી વધુ બાળકો ધરાવતી વ્યક્તિ પંચાયત ચૂંટણી લડવા માટે પાત્ર રહેતી નથી. એડિશનલ કલેક્ટર અને એડિશનલ કમિશનરે તેમની ગેરલાયકાત યથાવત રાખી હતી, જેને પછીથી બોમ્બે હાઈકોર્ટે પણ યોગ્ય ઠેરવી હતી.
સુપ્રીમ કોર્ટે આ બાબતને એક વ્યાપક બંધારણીય મુદ્દો ગણીને મહારાષ્ટ્ર સરકાર વતી હાજર રહેલા એડવોકેટ રુક્મિણી બોબડેને ‘એમિકસ ક્યુરી' (ન્યાયાલયના મિત્ર) તરીકે નિયુક્ત કર્યા છે. અદાલતે તેમને એવા સાત રાજ્યોના કાયદાઓનો અભ્યાસ કરવા જણાવ્યું છે જ્યાં બે બાળકોની શરત લાગુ છે. આ સાથે જ અદાલતે ભારતમાં ઘટતા પ્રજનન દર પર પ્રકાશિત થયેલા એક અખબારના અહેવાલનો પણ અભ્યાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ખંડપીઠે અરજદાર વતી હાજર રહેલા એડવોકેટ પ્રતીક બંબાર્ડેને પણ આ વિષય પર વિગતવાર કાનૂની અને તથ્યાત્મક સંશોધન કરીને દસ્તાવેજોનું સંકલન રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. અદાલતે જણાવ્યું હતું કે આ બાબતમાં વ્યાપક બંધારણીય અને સામાજિક પાસાઓ પર વિચાર કરવામાં આવશે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
