તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 27th May 2026
ઓનલાઈન ગેમિંગ કંપનીઓને સુપ્રીમ કોર્ટનો જોરદાર ફટકો: દાવ પર લાગતા તમામ પૈસા જુગાર ગણાશે : ૨૮% જીએસટી વસૂલાત યથાવત
ગેમિંગ પ્લેટફોર્મ્સની તમામ અરજીઓ ફગાવી : કોર્ટે સરકારના ૨૦૨૩ ના પૂર્વનિર્ધારિત કર સુધારાને આપી કાયદાકીય મંજૂરી: ગેમ ઓફ સ્કિલ કે ફેન્ટસીના બહાના હવે નહીં ચાલે : આખું બિઝનેસ મોડેલ જોખમમાં

નવી દિલ્હી: ભારતના ઝડપથી વિકસતા ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ પર દેશની સર્વોચ્ચ અદાલતે આખરી અને સૌથી મોટો કાનૂની પ્રહાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે ઓનલાઈન અને ફેન્ટસી ગેમિંગ કંપનીઓ દ્વારા સરકારના ટેક્સ નિયમોને પડકારતી તમામ અરજીઓ એકઝાટકે ફગાવી દીધી છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે પ્લેટફોર્મ પર યુઝર્સ દ્વારા લગાવવામાં આવતા તમામ દાવની કુલ રકમ (ગ્રોસ બેટિંગ વેલ્યુ) પર ૨૮% GST ચૂકવવો જ પડશે. કોર્ટે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ અને રાજ્યોના જીએસટી કાયદાની બંધારણીય માન્યતાને સંપૂર્ણપણે સમર્થન આપ્યું છે, જેનાથી અબજો રૂપિયાની ટેક્સ નોટિસોનો સામનો કરી રહેલી ગેમિંગ કંપનીઓની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી ગઈ છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક અવલોકન કર્યું હતું કે કોઈપણ રમત કૌશલ્ય આધારિત (ગેમ ઓફ સ્કિલ) છે કે કાલ્પનિક આધારિત (ફેન્ટસી), તેનાથી કોઈ ફરક પડતો નથી. જો કોઈ પણ રમતના પરિણામ પર નાણાં દાવ પર લગાવવામાં આવે છે, તો જીએસટીના દ્રષ્ટિકોણથી તે પ્રક્રિયાને સટ્ટાબાજી અને જુગાર જ ગણવામાં આવશે. આ સાથે જ અદાલતે સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩ ના જીએસટી સુધારાને પૂર્વવર્તી (રેટ્રોસ્પેક્ટિવ) એટલે કે જૂની તારીખથી લાગુ કરવાના અધિકારને પણ યોગ્ય ઠેરવ્યો છે. અત્યાર સુધી ગેમિંગ કંપનીઓ માત્ર પોતાની પ્લેટફોર્મ ફી અથવા ગ્રોસ ગેમિંગ રેવન્યુ (GGR) પર જ ટેક્સ ગણતી હતી, પરંતુ હવે તમામ સટ્ટાબાજીની રકમ પર ૨૮% ટેક્સ લાગુ થતાં તેમનું સમગ્ર આર્થિક મોડેલ અને નફાનું માર્જિન સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે.
બીજી તરફ, ભારતમાં ઓનલાઈન રિયલ મની ગેમ્સ પર પહેલાથી જ કાયદાકીય સકંજો કસાયેલો છે. ઓનલાઈન ગેમિંગના પ્રમોશન અને રેગ્યુલેશન એક્ટ, ૨૦૨૫ હેઠળ, દેશમાં નાણાકીય જોખમ ધરાવતી કોઈપણ પ્રકારની રિયલ મની ગેમિંગ અને તેના પ્રમોશન કે જાહેરાતો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવેલો છે. આવી સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટનો આ આકરો ચુકાદો દેશના ડિજિટલ ગેમિંગ સેક્ટર માટે એક મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે. વિશ્લેષકોના મતે, આ કડક આર્થિક અને કાનૂની આંચકા બાદ ઘણી સ્થાનિક કંપનીઓ બંધ થવાના આરે પહોંચી જશે અને યુઝર્સ માટે પણ ઓનલાઈન સટ્ટો રમવો અતિશય મોંઘો બની જશે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
