<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

ડોમ્બિવલી હોસ્પિટલ હુમલા કેસમાં શિવસેના નેતા રમેશ મ્હાત્રેને સુપ્રીમ કોર્ટનો ઝટકો: હાઈકોર્ટે આપેલા જામીન રદ, ૩ દિવસમાં આત્મસમર્પણ કરવાનો કડક આદેશ!

“તબીબી સમુદાય પર હુમલો સાંખી ન લેવાય, તેમને કોઈ સ્પર્શી પણ શકવું ન જોઈએ”: જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચનું કડક વલણ.

મુંબઈ : મહારાષ્ટ્રના ડોમ્બિવલી સ્થિત શાસ્ત્રી નગર હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સો પર થયેલા કથિત હુમલાના ચર્ચાસ્પદ કેસમાં શિવસેના (શિંદે જૂથ)ના કોર્પોરેટર રમેશ મ્હાત્રેની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટ દ્વારા મ્હાત્રેને આપવામાં આવેલા જામીન રદ કરી દીધા છે અને તેમને આગામી ત્રણ દિવસની અંદર સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો સ્પષ્ટ અને કડક આદેશ આપ્યો છે. આ ચુકાદા સાથે જ શિવસેના નેતાને ફરી એકવાર ન્યાયિક કસ્ટડીમાં જવાનો વારો આવ્યો છે.

 

ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની ખંડપીઠે મહારાષ્ટ્ર સરકારની અપીલને ગ્રાહ્ય રાખી હતી, જેમાં હાઈકોર્ટના ૭ ઓગસ્ટના જામીન મંજૂર કરતા આદેશને પડકારવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દેશભરમાં ડોક્ટરો અને તબીબી સ્ટાફની સુરક્ષા પર વિશેષ ભાર મૂકતા અત્યંત આકરી ટિપ્પણી કરી હતી. બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સમાજમાં એવો કડક અને સ્પષ્ટ સંદેશ જવો જોઈએ કે "તબીબી સમુદાયને કોઈ સ્પર્શી પણ ન શકે." ડોક્ટરો અને નર્સો જનતાની અવિરત સેવા કરે છે, તેથી તેમને આવી હિંસક પ્રવૃત્તિઓનો ભોગ બનાવી શકાય નહીં.

 

આ વિવાદ ગત ૬ જુલાઈના રોજ મ્યુનિસિપલ સંચાલિત શાસ્ત્રી નગર હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલાની સારવાર અંગેની બોલાચાલી બાદ શરૂ થયો હતો. આક્ષેપ છે કે રમેશ મ્હાત્રે અને તેમના સહયોગીઓએ હોસ્પિટલમાં ઘૂસીને ફરજ પરના ડોક્ટરો, મહિલા નર્સો અને સ્ટાફ સાથે મારપીટ તથા ગેર વર્તણૂક કરી હતી. પોલીસે આ મામલે ૧,૮૩૬ પાનાની વિશાળ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં ૩૭ સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી ફૂટેજ અને મહારાષ્ટ્ર મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

 

(7:55 PM IST)