<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટની રાજપાલ યાદવને આકરી મુહલત! ₹૫ કરોડ જમા કરાવવા માટે મંજૂર થઈ 'આખરી તક'

"આશા છે કે તેઓ અહીં પણ અભિનય નથી કરી રહ્યા..." - CJI સૂર્યકાંતની તીખી ટિપ્પણી; ૫ ઓક્ટોબર સુધી સરન્ડરમાંથી વચગાળાની રાહત લંબાવાઈ, પાસપોર્ટ જમા કરાવવા કોર્ટનો આદેશ

 

 

નવી દિલ્હી, તા.૧૫: બોલિવૂડના જાણીતા કોમેડિયન અને અભિનેતા રાજપાલ યાદવની ચેક બાઉન્સ કેસ સાથે જોડાયેલી કાનૂની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે રૂ. ૫ કરોડની રકમ કોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવા માટે અભિનેતાને "છેલ્લી તક" આપતા આકરા નિર્દેશો જારી કર્યા છે. ચેક બાઉન્સના સાત જેટલા ગંભીર કેસોમાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા ફટકારાયેલી ૩ મહિનાની જેલની સજા સામેની અરજી પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે રાજપાલ યાદવને આત્મસમર્પણ (સરન્ડર) કરવાથી આપેલી વચગાળાની છૂટછાટ ૫ ઓક્ટોબર સુધી લંબાવી છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની ખંડપીઠ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન રાજપાલ યાદવના વરિષ્ઠ વકીલ પીએસ પટવાલિયાએ કોર્ટ પાસે રકમ એકત્રિત કરવા માટે વધુ બે અઠવાડિયાનો સમય માંગ્યો હતો. બચાવ પક્ષના વકીલે રજૂઆત કરી હતી કે, અભિનેતા પાસે હાલમાં પૂરતા નાણાં નથી પરંતુ તેઓ પોતાની અને તેમની માતાના નામે રહેલી મિલકતો વેચીને રકમ જમા કરાવવા માંગે છે, અને ટૂંક સમયમાં રૂ. ૨ કરોડના ડ્રાફ્ટ સાથેનો નક્કર પ્રસ્તાવ રજૂ કરશે.

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આકરી અને રમૂજી ટિપ્પણી કરતા કહ્યું હતું કે, "તેઓ બોલિવૂડના અભિનેતા છે, અમને આશા છે કે તેઓ અહીં (કોર્ટમાં) પણ અભિનય નથી કરી રહ્યા." CJI એ નોંધ્યું હતું કે યાદવનું ભૂતકાળનું વલણ બહુ આશ્વાસનદાયક રહ્યું નથી, તેમ છતાં આદેશનું પાલન કરવા માટે તેમને છેલ્લી તક તરીકે બે અઠવાડિયાનો સમય આપવામાં આવે છે. કોર્ટે શરત મૂકી છે કે રાજપાલ યાદવે પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડશે, અને હવે આ હાઈપ્રોફાઈલ કેસની આગામી સુનાવણી ૫ ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે.

(4:28 PM IST)