<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહતઃ આવકથી વધુ સંપત્તિના કેસમાં CBI-ED તપાસનો આદેશ રદ

ફરિયાદીની અરજી કાયદેસર રીતે ટકી શકે છે કે કેમ તે સહિતના તમામ પાસાઓની નવેસરથી તપાસ કરવા નિર્દેશ અલ્‍હાબાદ હાઇકોર્ટના નિર્ણયને બાજુ પર રાખી સુપ્રીમ કોર્ટે મામલો પુનર્વિચારણા માટે પરત મોકલ્‍યો

નવી દિલ્‍હી, તા.૨૫: લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને અપ્રમાણસર સંપત્તિના આરોપો સાથે જોડાયેલા કેસમાં સુ-ીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી છે. બુધવારે થયેલી સુનાવણી દરમિયાન સર્વોચ્‍ચ અદાલતે અલ્‍હાબાદ હાઇકોર્ટના એ આદેશને રદ કરી દીધો છે, જેમાં સીબીઆઈ  અને એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટને રાહુલ ગાંધી વિરુદ્ધની ફરિયાદની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્‍યો હતો. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલો પુનર્વિચારણા માટે અલ્‍હાબાદ હાઇકોર્ટમાં પરત મોકલતા સ્‍પષ્ટ કર્યું છે કે હાઇકોર્ટ હવે ફરિયાદ કાયદેસર રીતે જાળવવા યોગ્‍ય છે કે નહીં તે સહિતના તમામ કાનૂની પાસાઓ પર નવેસરથી વિચાર કરશે.

આ સમગ્ર વિવાદ કર્ણાટક ભાજપના કાર્યકર એસ. વિગ્નેશ શિશિર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદથી શરૂ થયો હતો, જેમાં રાહુલ ગાંધી પર તેમની આવકના જાણીતાસ્ત્રોતો કરતાં વધુ સંપત્તિ ધરાવવાનો આરોપ લગાવવામાં આવ્‍યો હતો. અહેવાલો અનુસાર, ૧૨ મે, ૨૦૨૬ના રોજ અલ્‍હાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્‍ચે તપાસ એજન્‍સીઓને આરોપોની ચકાસણી કરી યોગ્‍ય કાર્યવાહી કરવા જણાવ્‍યું હતું અને ત્‍યારબાદ ૨૦ જુલાઈની સુનાવણીમાં સીબીઆઈના જવાબથી અસંતોષ વ્‍યક્‍ત કરીને તપાસની સ્‍થિતિ સ્‍પષ્ટ કરવા કહ્યું હતું. જોકે, રાહુલ ગાંધીએ આ -ક્રિયા અને ફરિયાદીના કાનૂની અધિકાર સામે સવાલ ઉઠાવી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેના પર ૧૭ ઓગસ્‍ટે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટની કાર્યવાહી અને તપાસ રિપોર્ટ દાખલ કરવા પર વચગાળાનો સ્‍ટે મૂકયો હતો.

બુધવારની સુનાવણીમાં ફરિયાદી વિગ્નેશ શિશિર રૂબરૂ હાજર રહ્યા હતા, જેના કારણે સુપ્રીમ કોર્ટે કાર્યવાહીનું ઓડિયો અને વિડિયો પ્રસારણ બંધ રાખીને સુનાવણી હાથ ધરી હતી. હવે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો અગાઉનો આદેશ રદ કરીને કેસ રિમાન્‍ડ પર મોકલ્‍યો હોવાથી, આગામી સમયમાં અલ્‍હાબાદ હાઇકોર્ટમાં થનારી સુનાવણી અત્‍યંત મહત્‍વપૂર્ણ બની રહેશે, જ્‍યાં સૌથી પહેલા એ નક્કી કરવામાં આવશે કે ફરિયાદીની આ અરજી કાયદાની નજરમાં સુનાવણી યોગ્‍ય છે કે કેમ.

(4:13 PM IST)