<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

નવોદય વિદ્યાલયો અંગે તમિલનાડુ સરકારને સુપ્રીમ કોર્ટની કડક ચેતવણી: “દરરાજ્ય મનમાની કરશે તો દેશ કેવી રીતે ચાલશે?”

જો કેન્દ્રની નીતિઓનો વિરોધ થશે તો સંઘીય માળખું જોખમાશે: ૩ મહિનામાં જમીન શોધવા આદેશ આપી રિવ્યુ પિટિશન ફગાવી

નવી દિલ્હી :  તમિલનાડુમાં નવોદય વિદ્યાલયો શરૂ કરવા માટે જમીન ફાળવવા અંગેની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના વલણ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે દરેક રાજ્ય કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કરશે તો દેશનું સંઘીય માળખું તૂટી પડશે. અગાઉના આદેશને રદ કરવાની રાજ્ય સરકારની વિનંતી ફગાવી દેતાં કોર્ટે દરેક જિલ્લામાં વિદ્યાલયો માટે જમીન ઓળખી કાઢવા ૩ મહિનાની કડક સમયમર્યાદા આપી છે.

 


સુનાવણી દરમિયાન જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, "જો કાલે કેન્દ્ર સરકાર સમવર્તી યાદી (Concurrent List) હેઠળ નીતિ લાવે અને દરેક રાજ્ય એવું કહેવા લાગે કે 'અમે આ નીતિ સ્વીકારતા નથી', તો આપણા દેશના સંઘીય માળખાનું શું થશે?"

ત્રણ ભાષા ફોર્મ્યુલા અને હિન્દી લાદવાના આરોપો અંગે કોર્ટે નોંધ્યું કે તમિલનાડુના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરનું ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાથી વંચિત રાખવા યોગ્ય નથી. નવોદય વિદ્યાલયોની સ્થાપનાથી રાજ્યના શિક્ષણના ધોરણો વધુ મજબૂત થશે.


રાજ્ય સરકારે ૧૫ ડિસેમ્બરના આદેશને રદ કરવા વિનંતી કરી હતી, જેને કોર્ટે તાત્કાલિક અસરથી ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં સત્તા પરિવર્તન થવાથી કોર્ટના આદેશની કાનૂની અસર નાબૂદ થતી નથી. રાજ્યે આગામી ત્રણ મહિનાની અંદર દરેક જિલ્લામાં શાળાઓ માટે જમીનની ઓળખ પ્રક્રિયા પૂરી કરવી પડશે.

બીજી તરફ, કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ કે. એમ. નટરાજે કોર્ટને ખાતરી આપી હતી કે તમિલનાડુ સરકાર પર કોઈ નાણાકીય બોજ નહીં આવે. રાજ્ય સરકારે માત્ર જમીન ફાળવવાની રહેશે, જ્યારે તમામ બાંધકામ અને સંચાલન ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે. બેન્ચે ચેન્નાઈ અને દિલ્હી વચ્ચે પરસ્પર સંકલનથી ઉકેલ લાવવા નિર્દેશ આપી કેસની આગામી સુનાવણી ૧૪ મેના રોજ મુકરર કરી છે.

(6:56 PM IST)