<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

સુપ્રિમ કોર્ટનો મેજિસ્‍ટ્રેટ પર આકરો પ્રહારઃ અમારા આદેશ છતાં વિદ્યાર્થીને નોટીસ ફટકારવાની હિંમત કેમ થઈ?

વિરોધ પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટીસ પાઠવવાનો મામલોઃ ભારે વિવાદ બાદ વહીવટી તંત્રે નોટીસ પાછી ખેંચી

નવી દિલ્‍હી, તા.૯: સુપ્રીમ કોર્ટમાં એક વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા કિસ્‍સા અનુસાર, દિલ્‍હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં શાંતિપૂર્ણ રીતે ભાગ લેનારા ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીના વિદ્યાર્થી અક્ષત ત્રિપાઠીને ગ્રેટર નોઈડાના ત્રીજા એક્‍ઝિકયુટિવ મેજિસ્‍ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૩૦ હેઠળ નોટિસ પાઠવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગ્રેટર નોઈડાના એક્‍ઝિકયુટિવ મેજિસ્‍ટ્રેટ દ્વારા ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીને નોટિસ જારી કરવા બદલ સખત નારાજગી વ્‍યક્‍ત કરી છે. CJI સૂર્યકાંતે આકરા પ્રહારો કરતા કહ્યું કે, જ્‍યારે સુપ્રીમ કોર્ટે સ્‍પષ્ટ આદેશ આપ્‍યો હતો કે વિદ્યાર્થીઓ સામે કોઈ પણ બળજબરીથી કે દંડાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે નહીં, ત્‍યારે કોઈ પણ મેજિસ્‍ટ્રેટ આ આદેશનું ઉલ્લંઘન કેવી રીતે કરી શકે.

પોલીસ રિપોર્ટ અને આસિસ્‍ટન્‍ટ કમિશનર ઓફ પોલીસની કાર્યવાહીના આધારે ૪ સપ્‍ટેમ્‍બરના રોજ જારી કરાયેલી આ નોટિસમાં વિદ્યાર્થી પર અન્‍ય વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવાનો તેમજ સરકાર વિરોધી અને ભ્રામક માહિતી ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્‍યો હતો. નોટિસમાં વિદ્યાર્થીને ૬ મહિના માટે શાંતિ જાળવવા તેમજ રૂ.૫ લાખના વ્‍યક્‍તિગત બોન્‍ડ અને સમાન રકમના બે સ્‍થાનિક જામીનદાર રજૂ કરવા આદેશ આપવામાં આવ્‍યો હતો.

લાઈવ લોના અહેવાલ મુજબ, આ મામલો સમક્ષ આવતા જ CJI સૂર્યકાંતે કડક ટિપ્‍પણી કરતા પ્રશ્‍ન કર્યો હતો કે, મેજિસ્‍ટ્રેટની આવું કરવાની હિંમત કેવી રીતે થઈ? સુપ્રીમ કોર્ટે અગાઉ જ વિદ્યાર્થી વિરોધ સંબંધિત FIR રદ કરી હતી અને ભવિષ્‍યમાં વિદ્યાર્થીઓ સામે કોઈપણ દંડાત્‍મક કે બળજબરીપૂર્વકની કાર્યવાહી પર રોક લગાવી હતી.

વિદ્યાર્થી અક્ષત ત્રિપાઠીએ તમામ આરોપોને ફગાવી દેતા જણાવ્‍યું હતું કે તેણે શાંતિપૂર્ણ રીતે વિરોધમાં ભાગ લીધો હતો. વિવાદ વધતાં અને વહીવટીતંત્રને પોતાની ભૂલનો અહેસાસ થતાં બાદમાં આ શાંતિ બોન્‍ડ નોટિસ પાછી ખેંચી લેવામાં આવી હતી.

(2:43 PM IST)