તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
રસ્તા પર દોડતા ૫૬ ટકા વાહનો વીમા વગરના હોવાની બાબતે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ : હવે ઇન્સ્યોરન્સ રિન્યૂ નહીં હોય તો પેટ્રોલ પંપ પરથી નહીં મળે પેટ્રોલ-ડીઝલ!
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચ દ્વારા કડક નિર્દેશ : નવી કાર માટે ૪ વર્ષ અને ટુ-વ્હીલર માટે ૬ વર્ષનો થર્ડ-પાર્ટી વીમો ફરજિયાત, ANPR કેમેરાથી કપાશે ઇ-ચલણ

નવી દિલ્હી : દેશભરમાં માર્ગ અકસ્માતનો ભોગ બનેલા પીડિતોને સમયસર વળતર ન મળવા અને મોટર વાહન કાયદાના ભંગ અંગે સુપ્રીમ કોર્ટે અત્યંત સખત વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે આગામી દિવસોમાં જો વાહનમાં માન્ય વીમો (ઇન્સ્યોરન્સ) નહીં હોય તો પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ કે ડીઝલ આપવામાં આવશે નહીં. દેશના માર્ગો પર વીમા વગર બેફામ દોડતા વાહનોની ગંભીર સમસ્યાને નાથવા માટે સર્વોચ્ચ અદાલતે ઓટોમેટિક કેમેરા, ઇ-ચલણ સિસ્ટમ અને નવી ગાડી ખરીદતી વખતે થર્ડ-પાર્ટી વીમાની સમયમર્યાદા લંબાવવા સહિતના ક્રાંતિકારી પગલાં ભરવા આદેશો જારી કર્યા છે.
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે સરકારી આંકડાઓને ટાંકીને દેશમાં વીમા વિનાના વાહનોની સ્થિતિ પર ભારે ચિંતા વ્યક્ત કરી હતી. સરકારી ડેટા મુજબ ભારતમાં નોંધાયેલા કુલ ૩૦.૪ કરોડ વાહનોમાંથી ૧૬.૫ કરોડ એટલે કે આશરે ૫૬ ટકા વાહનો વીમા વગરના છે, જેમાં મોટા ભાગના ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે. આ સિવાય દેશમાં થતા કુલ માર્ગ અકસ્માતોમાંથી ૨૨ ટકા કિસ્સાઓમાં વીમા વિહોણા વાહનો સંકળાયેલા હોય છે. અદાલતે અવલોકન કર્યું હતું કે આ પરિસ્થિતિ મોટર વાહન કાયદાની કલમ ૧૪૬ ના મૂળ હેતુને જ નિષ્ફળ બનાવે છે અને અકસ્માતનો ભોગ બનનાર પીડિતોને કાનૂની લડાઈઓ લડવી પડે છે.
આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટે વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) તથા માર્ગ પરિવહન મંત્રાલયને 'વાહન રિફ્યુઅલિંગ' ને માન્ય વીમા સ્ટેટસ સાથે જોડવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે. જે અંતર્ગત માન્ય વીમો ન ધરાવતા વાહનોને પેટ્રોલ પંપ પર ઇંધણ આપવાનો જ ઇનકાર કરી દેવાશે, જેથી વાહન માલિકો સમયસર વીમો રિન્યૂ કરાવવા મજબૂર બનશે.
સાથોસાથ હાઈવે અને શહેરી માર્ગો પર સ્થાપિત ANPR (ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન) કેમેરાને 'વાહન પોર્ટલ' અને 'ઇન્સ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યુરો' ના ડેટાબેઝ સાથે લિંક કરવા આદેશ કરાયો છે. જેથી વીમા વગરના વાહનો આપોઆપ ટ્રેક થઈ જશે અને વાહન માલિકના ઘરે સીધું ઇ-ચલણ પહોંચી જશે. સ્થાનિક ટ્રાફિક પોલીસને પણ હેન્ડહેલ્ડ ડિવાઈસ અને વિશેષ મોબાઈલ એપ્લિકેશન પૂરી પડાશે જેથી સ્થળ પર જ વીમાનું સ્ટેટસ ચેક કરી શકાય.
વર્ષ ૨૦૧૮ના અગાઉના આદેશ મુજબ નવી કાર માટે ૩ વર્ષ અને ટુ-વ્હીલર માટે ૫ વર્ષનો થર્ડ-પાર્ટી વીમો ફરજિયાત હતો, જેમાં સુપ્રીમ કોર્ટે ૧-૧ વર્ષનો વધારો કર્યો છે. નવી જોગવાઈ અનુસાર હવેથી નવી કાર માટે ૪ વર્ષ અને નવા ટુ-વ્હીલર માટે ૬ વર્ષનો થર્ડ-પાર્ટી વીમો લેવો અનિવાર્ય રહેશે. મોટર વાહન કાયદા હેઠળ વીમા વગર વાહન ચલાવવા પર પ્રથમ વખતે રૂ. ૨,૦૦૦ નો દંડ અથવા ૩ મહિનાની કેદ (અથવા બંને) તથા બીજી વખત ગુનો આચરવા પર રૂ. ૪,૦૦૦ નો દંડ અને ૩ મહિના સુધીની જેલની સજાની જોગવાઈ અમલમાં છે.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
