<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

મેરઠમાં બુલડોઝર એક્શનનો સર્વોચ્ચ અદાલતનો આદેશ: ૧૬,૭૨૬ ગેરકાયદેસર બાંધકામો સીલ કરીને તોડી પાડવા સુપ્રીમ કોર્ટનો ઉત્તર પ્રદેશ સરકારને સખત નિર્દેશ!

"સ્થિતિ અત્યંત આઘાતજનક": સુપ્રીમ કોર્ટે તપાસ માટે ભૂતપૂર્વ ન્યાયાધીશના નેતૃત્વમાં તપાસ પંચ રચ્યું, અધિકારીઓની મિલીભગત સામે પણ લાલ આંખ

મેરઠ : ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં ચાલી રહેલા વ્યાપક ગેરકાયદેસર બાંધકામો અને રહેણાંક મિલકતોના અનધિકૃત વ્યાવસાયિક ઉપયોગ સામે સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે એક જ ઝોનમાં ઓળખી કાઢવામાં આવેલા ૧૬,૭૨૬ અનધિકૃત બાંધકામોને તાત્કાલિક અસરથી સીલ કરવા અને ત્યારબાદ તેને તોડી પાડવાની કાર્યવાહી કરવાનો ઉત્તર પ્રદેશ સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓને સણસણતો આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સીલિંગ પ્રક્રિયા હાથ ધરતા પહેલા રહેવાસીઓ પાસે જગ્યા ખાલી કરાવવામાં આવે.

 

અદાલતમાં ઉત્તર પ્રદેશ આવાસ એવમ વિકાસ પરિષદ દ્વારા રજૂ કરવામાં આવેલા સ્ટેટસ રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ વિશ્વનાથનની બેન્ચે આઘાત વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ અનુસાર, ૧૬ તપાસ ટીમો દ્વારા માત્ર ઝોન-એ (Zone-A) માં જ ૧૬,૭૨૬ ગેરકાયદેસર બાંધકામો શોધી કાઢવામાં આવ્યા હતા, જેમાં ૧૨,૯૦૭ રહેણાંક, ૮૭૪ મિશ્ર વપરાશ અને ૨,૯૪૫ બિન-રહેણાંક બાંધકામોનો સમાવેશ થાય છે. કોર્ટે કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો કોઈ જર્જરિત ગેરકાયદેસર ઇમારત ધરાશાયી થવાથી નાગરિકોના જીવ જશે, તો તેના માટે જવાબદાર સરકારી અધિકારીઓને વ્યક્તિગત રીતે દંડિત કરવામાં આવશે.

 

જસ્ટિસ સુધાંશુ ધુલિયાના નેતૃત્વમાં ન્યાયિક પંચની રચના: અધિકારીઓની ભૂમિકા તપાસાશે

 

મેરઠના બાહ્ય વિસ્તારમાં આવેલા ઉલ્દેપુરમાં ગેરકાયદેસર રહેણાંક વસાહતો કેવી રીતે ફૂલીફાલી તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ સુધાંશુ ધુલિયાના નેતૃત્વ હેઠળ એક વિશેષ ન્યાયિક પંચની પણ રચના કરી છે. આ પંચ એ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરશે કે મેરઠ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ પાંચ વર્ષથી વધુ સમય સુધી કેમ નિષ્ક્રિય રહ્યા અને શું તેમની મિલીભગતથી આ અનધિકૃત બાંધકામો ઊભા થયા હતા.

 

ઉલ્દેપુરમાં સીલ કરાયેલી ૪૪ મિલકતોમાંથી ૨૦ મિલકતો પહેલેથી જ તોડી પાડવામાં આવી છે, જ્યારે કોર્ટે બાકીની ૨૪ મિલકતોને પણ વહેલી તકે તોડી પાડવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પરિસ્થિતિને 'અત્યંત ગંભીર અને ચિંતાજનક' ગણાવીને આ મામલે દિવસ-રાત કામ કરીને કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યો છે અને વધુ સુનાવણી ડિસેમ્બર મહિનામાં નિયત કરી છે.

 

(9:25 PM IST)