<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

સ્‍ટેશનો પર સ્‍વચ્‍છ પાણી-શૌચાલય સહિતની સુવિધાઓ પૂરી પાડવા સુપ્રીમ કોર્ટનો રેલ્‍વેને કડક આદેશ

રેલ્‍વે મુસાફરોની સુવિધા મુદ્દે સુપ્રીમ કોર્ટની લાલ આંખઃ અરજીનો નિકાલ કરતા રિપોર્ટની ભલામણોનો તાત્‍કાલિક અમલ કરવા નિર્દેશ આપ્‍યો CAG ઓડિટ રિપોર્ટમાં દેશના ૮૯ ટકાથી વધુ સ્‍ટેશનો પર મૂળભૂત સુવિધાઓનો અભાવઃ માત્ર ૧૧ ટકા સ્‍ટેશનો પર જ પૂરતી વ્‍યવસ્‍થા હોવાનો ઘટસ્‍ફોટ

નવી દિલ્‍હી, તા.૧૬: દેશભરના રેલ્‍વે સ્‍ટેશનો પર મુસાફરોને પડતી હાલાકીને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે રેલ્‍વે મંત્રાલયને કડક નિર્દેશ આપ્‍યો છે કે તમામ સ્‍ટેશનો પર સ્‍વચ્‍છ પીવાનું પાણી, સ્‍વચ્‍છ શૌચાલય, બેઠક વ્‍યવસ્‍થા, પ્‍લેટફોર્મ શેલ્‍ટર, પંખા, વોટર કૂલર અને યોગ્‍ય સાઇનેજ જેવી આવશ્‍યક સુવિધાઓ સુનિヘતિ કરવામાં આવે. કોમ્‍પ્‍ટ્રોલર અને ઓડિટર જનરલના ઓડિટ રિપોર્ટના આધારે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીનો નિકાલ કરતી વખતે સર્વોચ્‍ચ અદાલતે રેલ્‍વે તંત્રને CAG દ્વારા કરવામાં આવેલી ભલામણોનો ચુસ્‍તપણે અમલ કરવા આદેશ આપ્‍યો છે. આ અરજીમાં સ્‍ટેશનો પર સ્‍વચ્‍છતા, કચરા વ્‍યવસ્‍થાપન અને તબીબી સંભાળ જેવી અત્‍યંત જરૂરી સેવાઓ પૂરી પાડવાની માંગ કરવામાં આવી હતી.

અરજીમાં ટાંકવામાં આવેલા CAGના અહેવાલ મુજબ, દેશભરના ૫૧૨ રેલ્‍વે સ્‍ટેશનોના સર્વેક્ષણમાં અત્‍યંત ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે તેમાંથી ૪૫૮ સ્‍ટેશનો એટલે કે ૮૯ ટકાથી વધુ સ્‍ટેશનો પર ન્‍યૂનતમ આવશ્‍યક સુવિધાઓનો અભાવ છે. નિરીક્ષણ કરાયેલા ૫૧૨ સ્‍ટેશનોમાંથી માત્ર ૫૪ સ્‍ટેશનો (માત્ર ૧૧ ટકા) પર જ નિર્ધારિત ધોરણો મુજબની તમામ સુવિધાઓ ઉપલબ્‍ધ જોવા મળી હતી. આ ઉપરાંત, ખુદ રેલ્‍વેની પેસેન્‍જર એમેનિટીઝ મેનેજમેન્‍ટ સિસ્‍ટમના ડેટા પણ વિવિધ રેલ્‍વે ઝોન અને સ્‍ટેશન શ્રેણીઓમાં પ્રવર્તી રહેલી આ પાયાની ખામીઓની પુષ્ટિ કરે છે. સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરતી વખતે અરજદારે ભારપૂર્વક માંગ કરી હતી કે મુસાફરોની સુવિધાઓ માત્ર સરકારી કાગળો પૂરતી મર્યાદિત ન રહેતા જમીની સ્‍તરે વાસ્‍તવિક રીતે ઉપલબ્‍ધ થવી જોઈએ. અરજીમાં સુવિધાઓના અમલીકરણ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવા, સ્‍ટેશનોનું નિયમિત નિરીક્ષણ કરવા અને ફરજમાં બેદરકારી દાખવનાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની પણ રજૂઆત કરાઈ હતી. સુપ્રીમ કોર્ટના આ મહત્‍વપૂર્ણ આદેશ બાદ હવે રેલ્‍વે મંત્રાલય પર દેશના કરોડો મુસાફરોની મુસાફરીને સુગમ અને સુવિધાજનક બનાવવા માટે ઝડપી કામગીરી કરવાનું દબાણ વધ્‍યું છે

(3:15 PM IST)