<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

હત્યાનો ગુનો 304 ભાગ-2માં બદલવા બદલ સુપ્રીમ કોર્ટની ઝાટકણી: મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચુકાદાને ગણાવ્યો 'ભયાનક'

ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠની આકરી ટિપ્પણી; ખોપરીમાં ફ્રેક્ચર અને મગજના આવરણ ફાટવા છતાં 'સામાન્ય ઈજા' ગણાવવા પર સવાલ

નવી દિલ્હી : હત્યાની સજાને ઘટાડીને 'હત્યા ન ગણાય તેવા ગુનાહિત નરહત્યા' (IPC કલમ 304 ભાગ-2)માં ફેરવી નાખવાના મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે મધ્યપ્રદેશ હાઈકોર્ટની આકરી ઝાટકણી કાઢી હતી અને ચુકાદાને "ભયાનક" ગણાવ્યો હતો, તેમજ દોષિત રામપાલ પાર્તેતીની સાત વર્ષની સજા વધુ ઘટાડવાની અપીલ ફગાવી દીધી હતી. ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે નોંધ્યું હતું કે પોસ્ટમોર્ટમમાં ખોપરીમાં ફ્રેક્ચર અને મગજના આવરણ ફાટ્યા હોવા છતાં હાઈકોર્ટે ઈજાઓને સામાન્ય ગણાવી હતી.

 

આ કેસ 28 ડિસેમ્બર, 2021ની રાત્રે ઘરેલું ઝઘડા બાદ પત્ની હેમવતી પર પલંગના લાકડાના પાટિયા વડે હુમલા સાથે સંબંધિત છે, જેના પરિણામે તે જ મહિનાના અંતે તેનું મૃત્યુ થયું હતું અને જુલાઈ 2024માં છિંદવાડાની ટ્રાયલ કોર્ટે રામપાલને IPC કલમ 302 હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી.

 

18 ઓગસ્ટ, 2025ના રોજ મધ્યપ્રદેશ હાઈકોર્ટ (જબલપુર)ની ખંડપીઠે જામીન અરજી પર સુનાવણી વેળા અપીલનો નિકાલ કરતાં કેસને અચાનક થયેલી લડાઈ (કલમ 300નો અપવાદ 4) હેઠળ માની સજા ઘટાડીને કલમ 304 ભાગ-2 હેઠળ 7 વર્ષ કરી હતી.

 

સુપ્રીમ કોર્ટે અગાઉ 14 ઓગસ્ટે નોટિસ અને 8 ઓક્ટોબરે કારણદર્શક નોટિસ જારી કરતાં મુખ્ય સાક્ષીઓ, ખાસ કરીને મૃતકની બહેન (PW-7)ની જુબાની તથા મૃત્યુકાલીન નિવેદનોની અવગણના પર નારાજગી વ્યક્ત કરી હતી અને કલમ 304 ભાગ-2ના તર્ક સામે સવાલ ઉઠાવ્યા હતા.

 

શુક્રવારની સુનાવણી દરમિયાન બેન્ચે રાત્રે 11:30 વાગ્યે ઘરમાં થયેલી ગંભીર ઈજાઓ અંગે દોષિતના સ્પષ્ટતાના અભાવ, તાત્કાલિક સારવાર ન અપાવવા અને 30 ડિસેમ્બર સુધી પિતાને જાણ ન કરવા અંગે પ્રશ્નો કર્યા હતા, જ્યારે બચાવ પક્ષે ચાર વર્ષ દસ મહિનાની સજા ભોગવ્યાનો ઉલ્લેખ કર્યો હતો.

 

અગાઉ છત્તીસગઢ હાઈકોર્ટને પણ આવા જ મામલામાં ઠપકો આપી ચૂકેલી ખંડપીઠના આ વલણ બાદ હવે 8 ઓક્ટોબરની કારણદર્શક નોટિસના અનુસંધાનમાં હત્યાની દોષસિદ્ધિ અને આજીવન કેદ પુનઃસ્થાપિત કરવા અંગેના આગામી ન્યાયિક નિર્ણય પર સૌની નજર રહેશે.

(8:49 PM IST)