તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
ધાર્મિક શિક્ષણ આપતી સંસ્થાઓના નિયમન મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરી! કોર્ટના આદેશનું પાલન ન થતાં કેન્દ્રીય શિક્ષણ સચિવને પાઠવી અવમાનનાની નોટિસ
૧૪ વર્ષથી ઓછી વયના બાળકોને ધાર્મિક તાલીમ આપતી અજ્ઞાત સંસ્થાઓ પર દેખરેખ રાખવામાં નિષ્ફળતાનો આરોપ; વકીલ અશ્વિની ઉપાધ્યાયની અરજી પર જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની બેંચનો કડક આદેશ

નવી દિલ્હી, તા.૧૫: દેશમાં ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ધાર્મિક શિક્ષણ આપતી તમામ સંસ્થાઓના નિયમન અને નોંધણી અંગે યોગ્ય નિર્ણય ન લેવા બદલ સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય શિક્ષણ સચિવ ટી.કે. અનિલ કુમાર વિરુદ્ધ અવમાનના (Contempt of Court) ની નોટિસ જારી કરી છે. ભાજપના નેતા અને વરિષ્ઠ વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે આ આકરું વલણ અપનાવ્યું છે. જોકે, ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ શીલ નાગુની બનેલી ખંડપીઠે શિક્ષણ સચિવને હાલમાં કોર્ટમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી છે.
અરજદાર અશ્વિની ઉપાધ્યાયનો આરોપ છે કે તેમણે અગાઉ ધાર્મિક અને સેક્યુલર શિક્ષણ આપતી તમામ સંસ્થાઓના રજીસ્ટ્રેશન અને દેખરેખ માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. કોર્ટે આ રજૂઆત પર નિયમાનુસાર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ લાંબો સમય વીતી જવા છતાં કેન્દ્રીય શિક્ષણ સચિવે તેના પર કોઈ પગલાં ન ભરતા આખરે કોર્ટની અવમાનનાની અરજી દાખલ કરવી પડી છે. અરજીમાં ગંભીર આક્ષેપ કરાયો છે કે રાજ્યની દેખરેખ વગર ચાલતી હજારો બિન-નોંધાયેલ સંસ્થાઓ ધાર્મિક શિક્ષણના બહાને ભોળા બાળકોનું મગજ ધોઈને (બ્રેઈનવોશ કરીને) કટ્ટરતા ફેલાવી રહી છે, જે દેશની આંતરિક સુરક્ષા અને રાષ્ટ્રીય અખંડિતતા માટે મોટો ખતરો છે.
આ સિવાય અરજીમાં બંધારણીય સુધારા અને સ્પષ્ટતાની માંગ કરતા જણાવવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ ૩૦ હેઠળ શૈક્ષણિક સંસ્થાઓનો અર્થ માત્ર 'બિન-ધાર્મિક કે વ્યાવસાયિક સંસ્થાઓ' ગણવો જોઈએ, જ્યારે ધાર્મિક પ્રચાર માટે તાલીમ આપતી સંસ્થાઓ અનુચ્છેદ ૨૬(એ) હેઠળ આવે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય શિક્ષણ સચિવને નોટિસનો જવાબ આપવા આદેશ કરીને આ સંવેદનશીલ મામલાની આગામી સુનાવણી ચાર અઠવાડિયા પછી નિયત કરી છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
