તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
રામ મંદિર દાન ઉચાપત કેસમાં સુપ્રીમ કોર્ટ કડક: 'આ ગુનાનો કેસ છે, રાજકારણનો નહીં', યોગી સરકાર પાસે SIT તપાસ અંગે માંગ્યો જવાબ!
દેશની સર્વોચ્ચ અદાલતે અરજદારોને ફટકારી ગંભીર ચેતવણી; સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ખુલાસો કર્યો – '૮ આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડ'

તા. ૨૦, જુલાઈ ૨૦૨૬: નવી દિલ્હી: અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિર માટે મળેલા દાનમાં કથિત ઉચાપત અને ચોરીના ચકચારી મામલે આજે સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સોમવારે સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આ મામલાને ગંભીરતાથી લેતા ઉત્તર પ્રદેશ સરકાર પાસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસ કરાવવાની શક્યતાઓ અંગે અહેવાલ માંગ્યો છે. આ સાથે જ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી છે કે આસ્થા અને કાયદા સાથે જોડાયેલા આ મુદ્દા પર કોઈ પણ પક્ષે રાજકીય રોટલા શેકવાની કોશિશ કરવી જોઈએ નહીં.
કોર્ટ રાજકારણનો અખાડો નથી: સીજેઆઈ (CJI) સૂર્યકાંત
ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી ત્રણ સભ્યોની વિશેષ બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન અરજદારોને આકરા શબ્દોમાં ચેતવણી આપતા ચીફ જસ્ટિસે જણાવ્યું કે, "અમે સાવચેતીનો એક શબ્દ કહેવા માંગીએ છીએ. કૃપા કરીને આ સંવેદનશીલ મુદ્દાનું રાજકારણ ન કરો. કોર્ટ રાજકારણ માટેનું સ્થાન નથી. આ ગુનાનો એક સાદો કેસ છે, અને અમારો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે આ મામલાની એકદમ નિષ્પક્ષ અને યોગ્ય તપાસ સુનિશ્ચિત થાય."
૮ લોકોની ધરપકડ, તપાસ તેજ ગતિએ ચાલુ
ઉત્તર પ્રદેશ સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અગાઉના આદેશનું પાલન કરીને સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમણે કોર્ટને માહિતગાર કરતા કહ્યું કે, "આ મહાકૌભાંડની તપાસ ખૂબ જ તેજ ગતિથી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં આઠ (૮) જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે." તેમણે ઉમેર્યું કે શરૂઆતમાં સત્ય શોધવા માટે જે SIT ની રચના કરવામાં આવી હતી, તેને પ્રાથમિક તપાસમાં જ આ એક ગંભીર અને નોંધનીય ગુનો (Cognizable Offense) હોવાનું માલૂમ પડ્યું છે, જેથી હવે સ્થાનિક પોલીસ દ્વારા તેની ઝીણવટભરી તપાસ થઈ રહી છે.
શું વરિષ્ઠ આઈએએસ (IAS) અધિકારીઓ સંભાળશે તપાસની કમાન?
સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું હતું કે આ પૂર્વે બનાવવામાં આવેલી SIT માં બે વરિષ્ઠ IAS અધિકારીઓ અને લખનૌના પોલીસ મહાનિરીક્ષક (IG) સામેલ હતા. કોર્ટે સોલિસિટર જનરલને યુપી સરકાર પાસેથી ખાસ સૂચના મેળવવા કહ્યું છે કે શું કેસમાં સંપૂર્ણ પારદર્શિતા અને નિષ્પક્ષતા જાળવવા માટે સ્થાનિક પોલીસના બદલે આ ઉચ્ચ અધિકારીઓની બનેલી ટીમને જ મુખ્ય તપાસની કમાન સોંપી શકાય?
ઉલ્લેખનીય છે કે ગત ૧૩ જુલાઈના રોજ કોર્ટે આ મામલે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પણ નોટિસ પાઠવી હતી. હવે સુપ્રીમ કોર્ટ આગામી સોમવારે આ કેસની વધુ સુનાવણી હાથ ધરશે અને તપાસ પ્રક્રિયાને લઈને મહત્વના નિર્દેશો જાહેર કરી શકે છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
