તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 14th July 2026
કોર્ટ પરિસરમાં રીલ્સ અને વીડિયો બનાવતા વકીલો સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: એડવોકેટ્સ એક્ટના લીરેલીરા ઉડાવતા કાળા કોટવાળા 'સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ' સામે કડક કાર્યવાહીની તૈયારી
"કાનૂની જાગૃતિ" ના નામે ગ્રાહકો ખેંચવાના ધંધા હવે બંધ થશે; કોર્ટના વેઇટિંગ હોલ અને કોરિડોરમાં શૂટિંગ કરવા પર પ્રતિબંધ મૂકવાની PIL પર સર્વોચ્ચ અદાલતે તમામ સ્ટેટ બાર કાઉન્સિલો પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હી : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાળો કોટ પહેરીને પ્રમોશનલ રીલ્સ, ડ્રામેટિક વીડિયો અને ડિજિટલ પ્રચાર દ્વારા ગ્રાહકો (ક્લાયન્ટ્સ) આકર્ષતા વકીલો વિરુદ્ધ હવે દેશની સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે ડિજિટલ માધ્યમો દ્વારા વકીલો દ્વારા કરવામાં આવતી આવી જાહેરાતો અને વ્યાપારીકરણ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની ખંડપીઠે આ સંદર્ભે દાખલ કરાયેલી એક જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી હાથ ધરીને દેશની તમામ રાજ્ય બાર કાઉન્સિલો (State Bar Councils) ને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.
કોર્ટ પરિસર બન્યું 'શૂટિંગ સ્પોટ': અરજીમાં ગંભીર આક્ષેપો
અનિલ પાંડે નામના અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી આ PILમાં સોશિયલ મીડિયા પર વકીલો દ્વારા કરવામાં આવતા ડિજિટલ પ્રચારના અનિયંત્રિત પૂર તરફ કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે:
• અનેક વકીલો કોર્ટના પરિસર, લોબી, કોરિડોર અને વેઇટિંગ હોલ જેવા સંવેદનશીલ ન્યાયિક વિસ્તારોમાં જઈને પૂરા કોર્ટ ડ્રેસમાં વીડિયો અને રીલ્સ શૂટ કરે છે.
• આવા વીડિયોમાં નાટકીય રીતે જામીન મેળવવાના કિસ્સા, ફોજદારી કાર્યવાહીના દ્રશ્યો અને ક્લાયન્ટના પ્રશંસાપત્રો (Testimonials) દર્શાવવામાં આવે છે.
• વીડિયોની સાથે પોતાની સંપર્ક વિગતો અને ઓફિસનું સરનામું આપીને સીધા કે આડકતરા ગ્રાહકો આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવે છે, જે વકીલાતના વ્યવસાયની ગરિમાને ઠેસ પહોંચાડે છે.
"કાનૂની જાગૃતિ" નો માત્ર દેખાડો: વાસ્તવિક હેતુ ગ્રાહકો મેળવવાનો
અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે, ઘણા વકીલો પોતાના વીડિયોને "કાનૂની જાગૃતિ" (Legal Awareness) અથવા "તમારા અધિકારો જાણો" જેવા શૈક્ષણિક શીર્ષકો આપીને બચાવ કરે છે. પરંતુ વાસ્તવિકતામાં તેનો મુખ્ય હેતુ પોતાની વ્યાવસાયિક દૃશ્યતા વધારવાનો અને આડકતરી રીતે ક્લાયન્ટ મેળવવાનો જ હોય છે.
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) ના નિયમ ૩૬ અને ૧૯૬૧ ના એડવોકેટ્સ એક્ટ હેઠળ વકીલો માટે પોતાના કામની જાહેરાત કરવા કે ગ્રાહકોની માંગણી કરવા પર સખત પ્રતિબંધ છે. સોશિયલ મીડિયા પર થતું આ પ્રમોશન વાસ્તવમાં "ડિજિટલ ટાઉટિંગ" (ગ્રાહકોની દલાલી) સિવાય બીજું કંઈ નથી.
કડક નિયમો અને પ્રતિબંધો લાદવાની માંગ
PIL માં સુપ્રીમ કોર્ટ સમક્ષ વકીલોના ડિજિટલ વર્તનને નિયંત્રિત કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને વહેલી તકે કડક માર્ગદર્શિકા (Guidelines) બહાર પાડવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, કોર્ટ પરિસરમાં કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વકીલો સામે તાત્કાલિક શિસ્તભંગના પગલાં લેવાની પણ રજૂઆત કરાઈ છે. હવે સર્વોચ્ચ અદાલતના આ કડક વલણ બાદ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવતા 'ઇન્ફ્લુએન્સર વકીલો' પર મોટી આફત આવી શકે છે.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
