<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

સુપ્રીમ કોર્ટનો ED પર મોટો સપાટો: કેરળ CMRL-એક્સાલોજિક કેસમાં એજન્સીને કાનૂની મર્યાદા ઓળંગવા સામે ચેતવણી આપી, તપાસ પર સાત દિવસની લગાવી રોક

ભૂતપૂર્વ મુખ્યમંત્રી પિનરાયી વિજયન સામેની એફઆઈઆર અને તપાસ મામલે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું—અન્ય તપાસ એજન્સીઓની સત્તાઓમાં દખલ ન કરે ED; ડિવિઝન બેન્ચમાં અપીલ કરવાનો માર્ગ થયો મોકળો.

નવી દિલ્હી : દેશના રાજકારણમાં હલચલ મચાવનાર કેરળના ચર્ચિત CMRL-એક્સાલોજિક ભ્રષ્ટાચાર કેસમાં સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સામે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે બુધવારે કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પિનરાયી વિજયન અને તેમના પરિવારના સભ્યો સામેની અરજીઓ પર સુનાવણી કરતા EDને તેની કાનૂની સત્તાઓનું ઉલ્લંઘન ન કરવા માટે આડી હાથે લીધી છે. કોર્ટે કેરળ વિજિલન્સ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર (FIR) ની તપાસ પર અસ્થાયી રૂપે સાત દિવસ માટે રોક લગાવી દીધી છે, જેથી અરજદારો હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી શકે.

 

સુનાવણી દરમિયાન જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી મોહનાની બેન્ચે EDના વકીલને કડક શબ્દોમાં ટકોર કરતા જણાવ્યું હતું કે એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તપાસ કરવાની સત્તા છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે અન્ય તપાસ એજન્સીઓની કાનૂની મર્યાદાઓમાં દખલ કરે. બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "તમારી કાનૂની મર્યાદાઓથી આગળ તમારો હાથ લંબાવશો નહીં." કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ED ભ્રષ્ટાચારના કેસમાં માહિતી રાજ્ય સત્તાવાળાઓ સાથે શેર કરી શકે છે, પરંતુ તેના આધારે આગળની કાર્યવાહી કેવી રીતે કરવી તે નક્કી કરવાનો અધિકાર રાજ્ય એજન્સીનો છે.

 

આ કેસ 'કોચીન મિનરલ્સ એન્ડ રુટાઇલ લિમિટેડ' (CMRL) દ્વારા વિજયનની પુત્રી વીણા ટી.ની માલિકીની કંપની 'એક્ઝાલૉજિક સોલ્યુશન્સ' ને કરવામાં આવેલી ચૂકવણીના આક્ષેપો સાથે જોડાયેલો છે. અગાઉ કેરળ હાઈકોર્ટે ED દ્વારા આપેલી માહિતીના આધારે વિજયન અને અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો અને પ્રાથમિક તપાસ માટે રચાયેલી એસઆઈટી (SIT) ના નિર્ણયને રદ કર્યો હતો. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આ મામલે અપીલ સાંભળવાનો ઇનકાર કરતાં આ માલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

 

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ડિવિઝન બેન્ચના નિર્ણયને રદ કરીને અરજદારોને હાઈકોર્ટમાં અપીલ કરવાની છૂટ આપી છે અને સાત દિવસ માટે વચગાળાનું રક્ષણ પૂરું પાડ્યું છે. જો કે, અદાલતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ આદેશ એવું સાબિત કરતો નથી કે ભ્રષ્ટાચારના આક્ષેપો સાચા છે કે ખોટા, પરંતુ તે એજન્સીઓની કાનૂની સત્તાઓ અને એફઆઈઆરની પ્રક્રિયાને યોગ્ય મંચ પર ચકાસવા માટેનો માર્ગ મોકળો કરે છે.

(6:44 PM IST)