<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

અમાન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, વીમા કંપની અકસ્માત વળતર ચૂકવવા માટે જવાબદાર નહીં ગણાય

વાહન અકસ્માત વખતે લાયસન્સની માન્યતા અંગે સર્વોચ્ચ અદાલતનો કડક ચુકાદો, પંજાબ-હરિયાણા હાઇકોર્ટનો આદેશ રદ

નવી દિલ્હી  : દેશની સર્વોચ્ચ અદાલતમાં તાજેતરમાં સુનાવણી દરમિયાન ન્યાયાધીશ સંજય કરોલ અને એન. કોટિશ્વર સિંહની બેન્ચ દ્વારા માર્ગ અકસ્માતના એક મહત્વપૂર્ણ કેસમાં કડક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ કરાયું છે કે જો વાહન ચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ અકસ્માત સમયે અમાન્ય હોય કે તેની મુદત પૂરી થઈ ગઈ હોય તો વીમા કંપની વળતર ચૂકવવા માટે કાયદાકીય રીતે બંધાયેલી નથી.

આ કેસની વિગતવાર પૃષ્ઠભૂમિ જોઈએ તો વર્ષ ૨૦૦૯માં બનેલી એક માર્ગ અકસ્માતની ઘટનામાં કારે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી, જ્યાં મોટર એક્સિડેન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલ (MACT) દ્વારા એવું સાબિત કરવામાં આવ્યું હતું કે ડ્રાઇવર ઓમ પ્રકાશનું લાઇસન્સ અકસ્માત અગાઉ જ સમાપ્ત થઈ ગયું હતું, જેને ધ્યાનમાં રાખીને ટ્રિબ્યુનલે વીમા કંપનીને જવાબદારીમાંથી મુક્ત કરી હતી.

જો કે, આ મામલે અગાઉ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે રેકોર્ડના અભાવને આધારે વીમા કંપનીને ૧.૦૮ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જેની સામે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના તે આદેશને રદ કરીને પીડિતોના હિતોના રક્ષણ માટે "ચુકવણી કરો અને વસૂલ કરો" ના સિદ્ધાંત હેઠળ વીમા કંપની દ્વારા પહેલા રકમ ચૂકવીને બાદમાં વાહન માલિક પાસેથી વસૂલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ ચુકાદાની સાથે જ સર્વોચ્ચ અદાલતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય તેમજ તમામ રાજ્યોના પરિવહન વિભાગોને દેશભરમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે વ્યાપક સ્તરે જનજાગૃતિ અભિયાન શરૂ કરવાના આદેશો જારી કર્યા છે, જેથી નાગરિકો ઇન્ટરનેટ અને માસ મીડિયાના માધ્યમથી માન્ય લાયસન્સના મહત્વને સમજી શકે.

કોર્ટે પોતાના આદેશમાં ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરવાની તેમજ તેને રિન્યુ કરવાની સમગ્ર પ્રક્રિયાને અત્યંત સરળ, પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવાની આવશ્યકતા પર વિશેષ ભાર મૂક્યો છે, જેથી સામાન્ય નાગરિકોને કોઈપણ મુશ્કેલી વિના કાયદેસરની પ્રક્રિયા પૂરી કરવામાં સરળતા રહે.

આ ઉપરાંત, અદાલતે ડ્રાઇવિંગ શૂલોના આધુનિક નિયમન, તેમની પરવડે તેવી ક્ષમતા અને પ્રાદેશિક ભાષાઓમાં જ અરજીઓ તેમજ પરીક્ષાઓની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તાકીદ કરી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ઓછા બને અને વધુમાં વધુ લોકો નિયમોનું પાલન કરીને યોગ્ય લાયસન્સ મેળવી શકે.

(12:39 AM IST)