<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

સુપ્રીમ કોર્ટનો ભૂપેશ બઘેલને મોટો આંચકો: પાટણ ચૂંટણી વિવાદમાં અરજી ફગાવી : હવે હાઈકોર્ટમાં ચાલશે કેસ!

ભાજપ નેતા વિજય બઘેલની ચૂંટણી અરજી સામેની અપીલ રદ્દ કરતાં વિલંબની નીતિ સામે દર્શાવી સખત નારાજગી : 45 દિવસની સમયમર્યાદાના મુદ્દે સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને રાખ્યો અકબંધ

નવી દિલ્હી : છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેશ બઘેલને દેશની સર્વોચ્ચ અદાલતમાંથી ભારે આંચકો લાગ્યો છે. વર્ષ 2023 ની પાટણ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં તેમની જીતને પડકારતી ભાજપ નેતા વિજય બઘેલની અરજી સામે હાઈકોર્ટમાં ઉઠાવેલા પ્રારંભિક વાંધાઓને ફગાવી દેવાના આદેશ સામે ભૂપેશ બઘેલે કરેલી અપીલને સુપ્રીમ કોર્ટે સખત શબ્દોમાં રદ્દ કરી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે આ કેસની સુનાવણી દરમિયાન ચૂંટણી વિવાદોમાં થઈ રહેલા વિલંબ અંગે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી અને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે હવે આ મામલે ટ્રાયલ હાઈકોર્ટમાં જ આગળ વધશે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ભૂપેશ બઘેલ વતી હાજર રહેલા વરિષ્ઠ તજજ્ઞ વકીલો કપિલ સિબ્બલ અને વિવેક તંખાએ દલીલ કરી હતી કે વિજય બઘેલ દ્વારા દાખલ કરાયેલી ચૂંટણી અરજી 45 દિવસની વૈધાનિક સમયમર્યાદા બાદ રજૂ કરવામાં આવી હતી. કલમ 81 ના હવાલા સાથે તેમણે દાવો કર્યો હતો કે પરિણામો જાહેર થયા બાદ 17 જાન્યુઆરી, 2024 ના રોજ આ સમયમર્યાદા પૂર્ણ થતી હતી જ્યારે સોગંદનામું 22 જાન્યુઆરીના રોજ રજૂ કરાયું હતું. જોકે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બાગચીએ આ દલીલોને ફગાવતા ટિપ્પણી કરી હતી કે, "આ પ્રક્રિયા સુનાવણીમાં વિલંબ કરવાનો માત્ર એક માર્ગ છે. જો આ રીતે અરજીઓ મંજૂર થતી રહેશે તો નવેસરથી નવી અરજીઓનો સિલસિલો શરૂ થશે, જ્યારે ચૂંટણી વિવાદોનો ઉકેલ નિશ્ચિત સમયમર્યાદામાં લાવવો જરૂરી છે."

આ કાનૂની વિવાદની પૃષ્ઠભૂમિમાં ભાજપના નેતા વિજય બઘેલે ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપ મૂક્યા હતા કે તેમણે 2023 ની ચૂંટણીમાં મતદાન પહેલાના 48 કલાકના કાયદાકીય મૌન ગાળાનું ઉલ્લંઘન કરીને પાટણ વિસ્તારમાં વિશાળ સરઘસ કાઢ્યું હતું. તેમણે ભૂપેશ બઘેલની ચૂંટણી રદ્દ કરવાની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે ભૂપેશ બઘેલની અરજી ફગાવી દેતાં ટિપ્પણી કરી હતી કે તારીખોની સત્યતા અને સમયમર્યાદા સંબંધિત પાસાઓ ટ્રાયલ દરમિયાન પુરાવાના આધારે જ નક્કી થશે. કોર્ટના આ ચુકાદા બાદ હવે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને છત્તીસગઢ હાઈકોર્ટમાં જ આ કાનૂની જંગ લડવો પડશે.

(6:48 PM IST)