તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
મેઘાલય હનીમૂન મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો વળાંક: ધરપકડ મેમોની સામાન્ય 'ટાઈપો'ના આધારે જામીન મળી શકે? હવે મોટી બેન્ચ કરશે કાનૂની ચુકાદો!
પત્નીએ જ હનીમૂન પર પતિને ખીણમાં ફેંકી દીધો હોવાનો સનસનીખેજ આક્ષેપ: ટેકનિકલ ભૂલ ગુનાની ગંભીરતાને દબાવી ન શકે, સોલિસિટર જનરલ તુષાર મહેતાની સુપ્રીમમાં ધારદાર દલીલો

નવી દિલ્હી : મેઘાલયના રમણીય હિલ સ્ટેશનમાં હનીમૂન મનાવવા ગયેલા નવદંપતીના લોહિયાળ અંજામ અને ત્યારબાદ કાનૂની ગૂંચવણોમાં ફસાયેલા હાઈ-પ્રોફાઈલ મર્ડર કેસમાં આજે દેશની સર્વોચ્ચ અદાલતે એક અત્યંત મહત્વપૂર્ણ વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યા છે કે, ધરપકડ મેમોમાં થયેલી સામાન્ય કારકુની કે ટાઈપોગ્રાફિકલ (ટાઈપિંગની) ભૂલના કારણે કોઈ આરોપીની ધરપકડ અમાન્ય ઠરે અને તેને જામીન મળી જાય કે નહીં, તે કાનૂની મુદ્દાને હવે સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચ (Larger Bench) સમક્ષ મોકલવામાં આવી શકે છે. મેઘાલય સરકાર દ્વારા મુખ્ય આરોપી પત્ની સોનમ રઘુવંશીને હાઈકોર્ટ દ્વારા મળેલા જામીનને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન આ ગંભીર સવાલ ઊભો થયો છે.
જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ શ્રી ચંદ્રશેખરની ખંડપીઠે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું કે, અદાલત એ બાબતની ઝીણવટભરી તપાસ કરશે કે શું મેઘાલય હાઇકોર્ટ દ્વારા આરોપી સોનમને માત્ર એટલા માટે જામીન આપી દેવા યોગ્ય હતા કે પોલીસના ધરપકડ મેમોમાં સાચા કાયદાને બદલે ખોટી કાનૂની જોગવાઈનો ઉલ્લેખ થઈ ગયો હતો? હકીકતમાં, પોલીસે ધરપકડના કાગળો તૈયાર કરતી વખતે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૩(૧) (જે હત્યાની સજા માટે છે) ને બદલે ભૂલથી કલમ ૪૦૩ લખી દીધી હતી. હાઇકોર્ટે તેને "ન્યાયિક માનસિકતાનો સંપૂર્ણ અભાવ" ગણાવીને નીચલી અદાલતના જામીનના આદેશને બહાલ રાખ્યો હતો.
હનીમૂન પર પૂર્વયોજિત હત્યા, કેસ ટેકનિકલતા પર ન ફરે: એસજી તુષાર મહેતા
રાજ્ય સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં કેસની ભયાનકતા રજૂ કરતા જણાવ્યું હતું કે, "આ કોઈ સામાન્ય કેસ નથી. બંને મેઘાલયમાં હનીમૂન મનાવવા ગયા હતા અને આ એક સંપૂર્ણ પૂર્વયોજિત હત્યા (Pre-planned Murder) હતી. પત્નીએ ભાડૂતી હત્યારાઓ સાથે મળીને ટેકરી પર જ પતિની ઘાતકી હત્યા કરી અને લાશને ઊંડી ખીણમાં ફેંકી દીધી હતી. આટલા ગંભીર ગુનામાં માત્ર પોલીસની એક કારકુની ભૂલના કારણે આરોપીને જામીન ન આપી શકાય."
સુપ્રીમ કોર્ટે હવે આ મામલે મેઘાલય પોલીસને આદેશ આપ્યો છે કે ધરપકડ સમયે આરોપીને આપવામાં આવેલા અસલ દસ્તાવેજોની એકદમ સ્પષ્ટ (સુવાચ્ય) ફોટોકોપી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે, જેથી ખબર પડી શકે કે વાસ્તવમાં કઈ માહિતી શેર થઈ હતી. જસ્ટિસ મિશ્રાએ મૌખિક ટિપ્પણી કરી હતી કે જો આ ટેકનિકલ આધાર કાયદાકીય રીતે ટકી શકે તેવો નહીં હોય, તો હાઈકોર્ટનો જામીન આપવાનો આદેશ રદ થઈ શકે છે.
શું છે આખો હનીમૂન મર્ડર કેસ?
મધ્યપ્રદેશના ઇન્દોરની રહેવાસી સોનમ રઘુવંશીએ ગયા વર્ષે મે ૨૦૨૫ માં તેના બિઝનેસમેન પતિ રાજા રઘુવંશી સાથે મેઘાલયના સોહરા (ચેરાપુંજી) વિસ્તારમાં હનીમૂન પર ગઈ હતી. હનીમૂન દરમિયાન જ ૨૩ મેના રોજ આ દંપતી અચાનક ગુમ થઈ ગયું હતું. ત્યારબાદ ૨ જૂન ૨૦૨૫ ના રોજ રાજા રઘુવંશીનો વિકૃત થઈ ગયેલો મૃતદેહ સોહરાની એક ઊંડી ખાડીમાંથી મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે પત્ની સોનમે જંગી આર્થિક અને વીમાના લાભ ખાતર કાવતરું ઘડીને પ્રોફેશનલ શૂટરો દ્વારા પોતાના જ પતિને મોતના ઘાટ ઉતારી દીધો હતો, જેની જૂન ૨૦૨૫ માં ધરપકડ કરાઈ હતી. હવે સુપ્રીમ કોર્ટના આ કડક વલણ બાદ આ હાઈ-પ્રોફાઈલ કેસની ગુનેગાર પત્ની ફરી જેલના સળિયા પાછળ ધકેલાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
