News of Tuesday, 17th November 2026
સુપ્રીમ કોર્ટનો SC/ST અનામત અને રોટેશન અંગે મોટો ચુકાદો: ઉમેદવારો કે મતદારો પોતાની પસંદગીથી સીટ અનામત રાખવાની માંગ ન કરી શકે
જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓની ચૂંટણીઓમાં બેઠકોના રોટેશનલ રિઝર્વેશન બાબતે સર્વોચ્ચ અદાલતે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી અરજી ફગાવી દીધી છે.

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે મતવિસ્તારો અનામત રાખવા અને તેના રોટેશન સંદર્ભે એક અત્યંત મહત્વપૂર્ણ અને સ્પષ્ટ ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં અદાલતે જણાવ્યું છે કે કોઈ પણ ઉમેદવાર કે મતદાર પોતાની વ્યક્તિગત પસંદગીના આધારે કોઈ વિસ્તારને અનામત રાખવાની માંગ કરવાનો કાનૂની અધિકાર ધરાવતા નથી.
આ કાનૂની વિવાદ મહારાષ્ટ્ર રાજ્યમાં જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓની ચૂંટણીઓ અંતર્ગત SC/ST અનામત બેઠકોની રોટેશન પદ્ધતિને પડકારતી અરજીઓ સાથે જોડાયેલો હતો, જેને સુપ્રીમ કોર્ટની બેન્ચે ફગાવી દીધી છે.
મહારાષ્ટ્ર સરકારે વર્ષ ૨૦૨૫ માટે જિલ્લા પરિષદો અને પંચાયત સમિતિઓમાં અનામત બેઠકોના રોટેશન અંગે નવા નિયમો ઘડ્યા હતા, જેણે અગાઉના ૧૯૯૬ના જૂના નિયમોનું સ્થાન લીધું હતું અને આ નવા નિયમોની કલમ ૧૨ હેઠળ રોટેશન ગણતરી માટે નવો આધાર નક્કી કરવામાં આવ્યો હતો.
આ નવા નિયમો અનુસાર સુધારા પછી યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીને રોટેશન પ્રક્રિયાના પ્રારંભિક બિંદુ તરીકે ગણવામાં આવશે, જેની સામે અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી પરંતુ બોમ્બે હાઈકોર્ટે તેને અગાઉ ફગાવી દીધી હતી.
હાઈકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે અનામતના હેતુ માટે નિર્ધારિત કાયદાકીય પ્રણાલી અને નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે, અને વ્યક્તિગત પસંદગી કે ઈચ્છા મુજબ સીટનું રિઝર્વેશન નક્કી કરી શકાય નહીં.
આ ચુકાદાથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં અનામત બેઠકોના રોટેશન અંગેની સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ છે અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી કાનૂની પ્રક્રિયા જ અંતિમ રહેશે તેવું ન્યાયાલય દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યું છે.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
