<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

સ્પોર્ટ્સ લો અંગે સુપ્રીમ કોર્ટનો સણસણતો સવાલ: નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ હેઠળ BCCI અને રાજ્ય એસોસિએશનો કેમ ન આવે? પોતાનું વલણ સ્પષ્ટ કરવા આદેશ!

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની ખંડપીઠે દાદાગીરી સામે ઉઠાવ્યા પ્રશ્નો; ૧૮ સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાનારી BCCIની AGMમાં થશે મોટું ઘમાસાણ, અરુણ ધુમલે નોંધાવ્યું નામાંકન

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની મનમાની અને સ્વાયત્તતા પર સુપ્રીમ કોર્ટે મોટો ચાબુક ચલાવ્યો છે. રાષ્ટ્રીય રમતગમત શાસન કાયદા (National Sports Governance Act, 2025) ના દાયરામાંથી બહાર રહેવાના BCCI ના વલણ પર દેશની સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં BCCI ને ખુલાસો કરવા કહ્યું છે કે બોર્ડ અને તેના સંલગ્ન રાજ્ય સંગઠનો આ નવો કાયદો લાગુ પડવાથી કેમ દૂર રહેવા માગે છે અને તેમના હોદ્દેદારોની સેવાની શરતો આ કાયદા હેઠળ કેમ ન ચાલવી જોઈએ?

 

ચીફ જસ્ટિસની ખંડપીઠે આપ્યો કડક નિર્દેશ:

 

મંગળવારે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વી. મોહનાની બનેલી બેન્ચે વિવિધ રાજ્ય ક્રિકેટ એસોસિએશનો દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી દરમિયાન આ તીખો પ્રશ્ન ઉઠાવ્યો હતો. બેન્ચે BCCI અને રાજ્ય એસોસિએશનોના વકીલોને સૂચનાઓ મેળવીને બોર્ડનો પક્ષ સ્પષ્ટ કરવા કાનૂની આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, BCCI લાંબા સમયથી એવી દલીલ કરતું આવ્યું છે કે તે સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ લેતું નથી, જેથી તે રમતગમત અધિનિયમ અને RTI (માહિતીનો અધિકાર) કાયદાના દાયરામાં આવતું નથી.

 

૧૮ સપ્ટેમ્બરે મુંબઈ AGM માં ભારે હોબાળાના એંધાણ:

 

સુપ્રીમ કોર્ટના આ નિર્દેશ બાદ હવે ૧૮ સપ્ટેમ્બરે મુંબઈ ખાતે યોજાનારી BCCI ની વાર્ષિક સામાન્ય સભા (AGM) માં આ મુદ્દો કેન્દ્રસ્થાને રહેશે. કાયદા મુજબ, સ્પોર્ટ્સ એક્ટ હેઠળ વૈધાનિક નિયામક અને માન્યતા સત્તાની જોગવાઈ છે, જેનો સ્વીકાર કરવા માટે BCCI અત્યાર સુધી ખચકાટ અનુભવી રહ્યું હતું.

 

IPL ગવર્નિંગ કાઉન્સિલ માટે ધુમલનું નામાંકન અને ૨ એસોસિએશન પર બાન:

 

બીજી તરફ, AGM પહેલાં અન્ય એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમમાં હિમાચલ પ્રદેશના આઈપીએલ ચેરમેન અરુણ સિંહ ધુમલ અને મિઝોરમના ખૈરુલ જમાલ મજુમદારે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની સીટ માટે પોતપોતાના નામાંકન પત્રો દાખલ કર્યા છે. બંને બિનહરીફ ચૂંટાઈ આવે તેવી પૂરી શક્યતા છે. આ દરમિયાન, BCCI ના ચૂંટણી અધિકારી એ. કે. જોતીએ મોટી કાર્યવાહી કરતા બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) અને જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) ને નિયમોના ઉલ્લંઘન બદલ AGM માં ભાગ લેતા અટકાવી દીધા છે.

(8:21 PM IST)