News of Friday, 6th November 2026
દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટની અત્યંત કડક અને મહત્વપૂર્ણ ટિપ્પણી: દિવાળી પર ચાલતું 'ગિફ્ટ કલ્ચર' અને સ્ટેટસ સિમ્બોલ બનતી પરંપરાઓ બની રહી છે પ્રદૂષણનું મોટું કારણ
ચીફ જસ્ટિસે જણાવ્યું કે સામાજિક પ્રતિષ્ઠા ખાતર ભેટ-સોગાદોની આપ-લે અને વાહનોના ભારે ઉપયોગથી સ્થિતિ બગડી રહી છે, પ્રદૂષણ ડામવા માટે માનસિકતામાં સાંસ્કૃતિક બદલાવ લાવવો અનિવાર્ય

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દિનપ્રતિદિન ગંભીર સ્વરૂપ ધારણ કરી રહેલા વાયુ પ્રદૂષણના મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા એક ગંભીર અને સચોટ અવલોકન રજૂ કરવામાં આવ્યું છે, જ્યાં ચીફ જસ્ટિસ સુર્યકાંતે ટિપ્પણી કરી છે કે સમૃદ્ધ વર્ગ દ્વારા દિવાળીના તહેવાર પર ભેટોની આપ-લેને સામાજિક પ્રતિષ્ઠા અને 'સ્ટેટસ સિમ્બોલ' બનાવી દેવામાં આવી છે, જેના કારણે ટ્રાફિક અને વાહનોનો વપરાશ વધવાથી પ્રદૂષણમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.
સુનાવણી દરમિયાન જ્યારે એક એડવોકેટ દ્વારા દિવાળી પર ભેટ આપવાની પરંપરા બંધ કરવાની જરૂર હોવાનો મત વ્યક્ત કરાયો, ત્યારે ચીફ જસ્ટિસે સ્પષ્ટ કર્યું કે આ માટે માત્ર કાયદો નહીં પરંતુ સમાજમાં વ્યાપક 'સાંસ્કૃતિક પરિવર્તન' લાવવાની જરૂર છે જેથી લોકો સમજી શકે કે આપણી વાસ્તવિક સંસ્કૃતિ અને જવાબદારી શું છે.
એમિકસ ક્યુરી દ્વારા પ્રદૂષણની ગરીબો પર થતી અસરો વિશે વાત કરતા ચીફ જસ્ટિસે નોંધ્યું હતું કે દીવા અને શણગારની વસ્તુઓ વેચીને ગુજરાન ચલાવતા ગરીબ શ્રમિકો પ્રદૂષણ નથી ફેલાવતા, પરંતુ અતિશય વૈભવ અને પ્રતિષ્ઠા પાછળ દોડતા તથા અસંખ્ય વાહનોનો ઉપયોગ કરતા લોકો અસલી પ્રદૂષણનું કારણ બને છે.
આ મામલે કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એએસજીએ દલીલ કરી હતી કે સરકાર દ્વારા પરાળી સળગાવવાની ઘટનાઓ અટકાવવા, લિંક તથા પેરિફેરલ રોડ બનાવવા અને થર્મલ પાવર પ્લાન્ટ્સને સ્વચ્છ ગેસ અથવા વીજળી આધારિત ઇંધણમાં તબદીલ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બીજી તરફ, એમિકસ ક્યુરીએ ચિંતા વ્યક્ત કરી હતી કે દિલ્હીમાં એક્યુઆઈ (AQI) ઘણી જગ્યાએ અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગયો છે અને બાળકોના ફેફસાં સૌથી વધુ નબળા હોવાને કારણે જસ્ટિસ બાગચીએ પણ આ પ્રદૂષણની બાળકોના સ્વાસ્થ્ય પર પડતી આડઅસર અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
