<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

બેંગલુરુ ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટનું કર્ણાટક સરકારને આખરી અલ્ટીમેટમ: ૩૧ ડિસેમ્બર સુધીનો જ સમય છે, પછી કોઈ બહાનાબાજી નહીં ચલાવી લેવાય, CJI સૂર્યકાન્તની લાલ આંખ!

ગ્રેટર બેંગલુરુ ઓથોરિટી (GBA) ની મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજવાની સમયમર્યાદા લંબાઈ; ૨૦૨૦થી ટળતી આવી રહેલી ચૂંટણીઓ મુદ્દે સર્વોચ્ચ અદાલત કડક મૂડમાં

બેંગલુરુ : સિલિકોન સિટી બેંગલુરુની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રાજકીય ખેંચતાણ અને વિલંબ પર દેશની સર્વોચ્ચ અદાલતે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ગ્રેટર બેંગલુરુ ઓથોરિટી (GBA) હેઠળ આવતા પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ચૂંટણી યોજવાની અંતિમ તારીખ લંબાવીને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ નક્કી કરી છે. જો કે, આ રાહત આપવાની સાથે જ કોર્ટે કર્ણાટક સરકારને સખત શબ્દોમાં ચેતવણી પણ આપી છે કે આ છેલ્લી તક છે, આનાથી વધુ વિલંબ હવે અદાલત કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરે.

મતદાર યાદીના સુધારાને ધ્યાને રાખીને મળી રાહત

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ જોયમાલા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી સુપ્રીમ કોર્ટની વિશેષ બેન્ચ સમક્ષ આ મામલાની સુનાવણી થઈ હતી. કર્ણાટક સરકાર વતી હાજર રહેલા દેશના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટને વિનંતી કરી હતી કે રાજ્યમાં હાલમાં મતદાર યાદીનું ખાસ સઘન પુનરાવર્તન (Special Intensive Revision - SIR) ચાલી રહ્યું છે. આ પ્રક્રિયા નવેમ્બર મહિના સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ કાનૂની અને વહીવટી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે અગાઉ નક્કી કરેલી ૩૧ ઓગસ્ટની સમયમર્યાદાને લંબાવીને વર્ષના અંત સુધી એટલે કે ૩૧ ડિસેમ્બર સુધી કરવાની મંજૂરી આપી દીધી છે.

પરંતુ આ આદેશ પસાર કરતી વખતે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્ત એકદમ કડક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, "કોર્ટ ડિસેમ્બર ૨૦૨૬ પછી આ મામલે સરકારનું કોઈ પણ બહાનું કે દલીલ સાંભળશે નહીં. નિયત સમયમાં જ ચૂંટણી પ્રક્રિયા પૂરી થવી જોઈએ."

છેલ્લા ૬ વર્ષથી કેમ અટકેલી છે ચૂંટણીઓ? જાણો અંદરની વાત

બેંગલુરુના સ્થાનિક તંત્રની આ ચૂંટણીઓનો ઇતિહાસ ભારે રાજકીય કાવાદાવાઓથી ભરેલો રહ્યો છે:

·         ૨૦૨૦માં કાર્યકાળ પૂરો થયો: અગાઉની બ્રુહત બેંગલુરુ મહાનગર પાલિકે (BBMP) નો સત્તાવાર કાર્યકાળ વર્ષ ૨૦૨૦ માં જ પૂરો થઈ ગયો હતો. પરંતુ તે સમયની તત્કાલીન ભાજપ સરકારે વિવિધ કારણોસર ચૂંટણી યોજવામાં કોઈ ખાસ રસ દાખવ્યો ન હતો.

·         ૨૦૨૩માં સત્તા પરિવર્તન છતાં વિલંબ: વર્ષ ૨૦૨૩ માં જ્યારે રાજ્યમાં કોંગ્રેસ સરકાર સત્તા પર આવી, ત્યારે તેમણે પણ ચૂંટણીઓ ટાળવા માટે નવો દાવ ખેલ્યો. સરકારે જૂની BBMP નું વિભાજન કરીને બેંગલુરુ શહેરની આસપાસની અન્ય નાની નગરપાલિકાઓને જોડીને 'ગ્રેટર બેંગલુરુ ઓથોરિટી' (GBA) નામનું નવું માળખું ઊભું કરવાના બહાને પ્રક્રિયા લાંબી ખેંચી લીધી.

સરકારની આ ઢીલી નીતિથી કંટાળીને એક પૂર્વ કોર્પોરેટરે વહેલી તકે લોકશાહી ઢબે ચૂંટણી યોજવાની માંગ સાથે અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. આ કાનૂની લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી અને નવું માળખું બન્યા બાદ કોર્ટે ૩૧ ઓગસ્ટની ડેડલાઇન આપી હતી. હવે જ્યારે વર્ષના અંત સુધીની છેલ્લી મંજૂરી મળી ગઈ છે, ત્યારે કર્ણાટકના રાજકીય વર્તુળોમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને ગરમાવો આવી ગયો છે.

(7:12 PM IST)