<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને આકરો ચુકાદો: પરિણીત પુત્રીઓને અનુકંપા ધોરણે નોકરીથી વંચિત રાખવી ગેરબંધારણીય, બિહાર સરકારની ભેદભાવપૂર્ણ નીતિ ફગાવી!

બંધારણની કલમ 14 નું ઉલ્લંઘન ગણાવી સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે લગ્ન પછી પુત્રીનો પરિવાર સાથેનો સંબંધ પૂરો થઈ જતો નથી; પટના હાઈકોર્ટનો આદેશ રદ કરી પુનર્વિચાર કરવા નિર્દેશ આપ્યો.

નવી દિલ્હી | તા.31: સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકારની નીતિમાં માત્ર છૂટાછેડા લીધેલી કે ત્યજી દેવાયેલી પુત્રીઓને જ અનુકંપાના ધોરણે (કરુણાપૂર્ણ) સરકારી નિમણૂક આપવાનો નિયમ સંપૂર્ણપણે ભેદભાવપૂર્ણ અને ગેરબંધારણીય છે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે સાયરા ખાતૂન અને તેમની પુત્રી દ્વારા પટના હાઈકોર્ટના ચુકાદા સામે કરાયેલી અપીલને મંજૂર કરતા બિહાર સરકારની 10 ડિસેમ્બર, 2014 ની નીતિ સામે આકરો વાંધો ઉઠાવ્યો હતો.

અદાલતે અવલોકન કર્યું હતું કે પુત્ર અને પુત્રી વચ્ચે આવો કોઈ પણ પ્રકારનો ભેદભાવ બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર) નું સીધું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, "કાયદામાં એવી કોઈ ધારણા ન હોઈ શકે કે લગ્ન પછી પુત્રી તેના માતાપિતાના પરિવાર સાથેના સંબંધો સંપૂર્ણપણે તોડી નાખે છે." અતિ-તકનીકી (hyper-technical) દૃષ્ટિકોણ અપનાવીને પરિણીત પુત્રીના હકને નકારી શકાય નહીં.

કોર્ટનો સ્પષ્ટ સંદેશ: "માત્ર છૂટાછેડા લીધેલી કે ત્યજી દેવાયેલી પુત્રીઓ માટે જ પાત્રતા સીમિત રાખતું વર્ગીકરણ કાયદાની નજરમાં ટકી શકે નહીં. પુત્રીને પુત્રથી અલગ ગણતું કોઈપણ નિયમન સ્વયંભૂ ગેરબંધારણીય છે." - જસ્ટિસ એમ.એમ. સુંદરેશની આગેવાની હેઠળની બેન્ચ.

સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટના જૂના આદેશને રદ બાતલ કર્યો છે અને બિહાર સરકારને નિર્દેશ આપ્યો છે કે આ આદેશની નકલ મળ્યાના 8 અઠવાડિયાની અંદર અરજદાર પુત્રીના કેસ પર યોગ્યતા (merits) ના આધારે પુનર્વિચાર કરીને અનુકંપા ધોરણે નોકરી આપવાની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવે.

(5:23 PM IST)