<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

ઓનલાઈન છેતરપિંડી સામે સુપ્રીમ કોર્ટની લાલઆંખ: વોટ્સએપ અને બેંકો પાસેથી માંગ્યા સ્પષ્ટ જવાબ

ડિજિટલ ધરપકડ અને સાયબર ક્રાઈમના વધતા જોખમ વચ્ચે સર્વોચ્ચ અદાલતે બેન્કિંગ તથા ટેક કંપનીઓની જવાબદારી નક્કી કરી.

નવી દિલ્હી : ડિજિટલ ધરપકડ અને ઓનલાઈન છેતરપિંડીના વધતા જતા ચિંતાજનક કેસોને લઈને સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આ મામલાની સુઓમોટો નોંધ લેતા વોટ્સએપ સહિતના મુખ્ય ડિજિટલ પ્લેટફોર્મ્સને સાયબર ક્રાઈમ અટકાવવા માટે તેમની ચોક્કસ યોજનાઓ ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) સમક્ષ રજૂ કરવા કડક નિર્દેશ આપ્યો છે.

સુનાવણી દરમિયાન WhatsApp નું પ્રતિનિધિત્વ કરતા વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે કંપનીએ અત્યાર સુધીમાં અંદાજે ૯,૪૦0 શંકાસ્પદ એકાઉન્ટ્સ સામે સખત કાર્યવાહી કરી છે અને યુઝર્સને સમયસર ચેતવણી આપવા માટે વિશેષ સોફ્ટવેર પણ વિકસાવવામાં આવી રહ્યું છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આવા ગુનાઓમાં માત્ર છેતરપિંડી કરનારા જ નહીં, પરંતુ સુરક્ષા પ્રણાલીમાં નિષ્ફળ જતી ડિજિટલ કંપનીઓ પણ જવાબદાર ગણાશે.

આ મામલે બેંકોની ભૂમિકા પર સવાલો ઉઠાવતા મુખ્ય ન્યાયાધીશે ટકોર કરી હતી કે, જો ગ્રાહકના સામાન્ય વ્યવહારોની સરખામણીએ અચાનક મોટી રકમ ટ્રાન્સફર થતી હોય ત્યારે બેંકો તાત્કાલિક પગલાં કેમ નથી લેતી? કોર્ટે સૂચન કર્યું કે બેંકોએ આવા શંકાસ્પદ વ્યવહારોને અસ્થાયી રૂપે અટકાવીને સાયબર પોલીસને જાણ કરવી જોઈએ અને બેંકની બેદરકારીના કારણે ભોગ બનનાર ગ્રાહકને નુકસાનનું વળતર ચૂકવવાની મજબૂત સિસ્ટમ હોવી અનિવાર્ય છે.

અદાલતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના પ્રસ્તાવિત KYC સુધારા નિર્દેશોની પણ ગંભીર નોંધ લીધી છે, જેમાં સાયબર પીડિતો માટે વળતરની જોગવાઈઓ સામેલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આગામી સમયમાં ૩૦ નવેમ્બર સુધીમાં આ નવા નિયમો સૂચિત કરવા અને ૩૧ ડિસેમ્બર સુધીમાં તેને સત્તાવાર રીતે લાગુ કરવાની યોજના છે, જે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા નાગરિકો માટે મોટું સુરક્ષા કવચ સાબિત થશે.

(10:31 PM IST)