<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

દહેજના લોભીઓ પર સુપ્રીમ કોર્ટની લાલઆંખ : "જેમની પાસે ભીખ માંગો છો, તેમને જ ભિખારી કહો છો?"

દહેજ ઉત્પીડનના કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપી સાસરિયાઓની જામીન અરજી ફગાવી જેલભેગા કર્યા : પુત્રવધૂઓ પર થતા અત્યાચાર સામે નારાજગી વ્યક્ત કરી સમાજને આપ્યો સૌથી મોટો અને કડક સંદેશ

નવી દિલ્હી: લગ્ન જેવા પવિત્ર બંધનને પણ દહેજની લાલચથી દૂષિત કરનારાઓ સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. દહેજ મૃત્યુ અને આત્મહત્યાના એક ગંભીર મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ બી.વી. નાગરત્ન અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેન્ચે આરોપી પતિ અને તેના પરિવારને કોઇપણ પ્રકારની કાનૂની રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. કોર્ટે આરોપીઓની અરજીને ફગાવીને તેમને સીધા જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ એટલી કડક ટિપ્પણી કરી કે જેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. સુપ્રીમ કોર્ટે વરરાજા પક્ષની માનસિકતા પર આકરા પ્રહારો કરતા સવાલ કર્યો કે, "તમે જે લોકો પાસેથી પૈસા (દહેજ) લો છો, તેમને જ પછી ભિખારી કેવી રીતે કહી શકો?"

અદાલતે સાસરિયાં પક્ષ દ્વારા દીકરીઓ અને તેમના પરિવારના થતા આર્થિક અને માનસિક શોષણ પર ઊંડી ચિંતા અને નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ નાગરત્ને સમાજની આ વરવી વાસ્તવિકતા સામે આક્રોશ ઠાલવતા પૂછ્યું કે, જો લગ્ન પછી છોકરી અને તેના માતા-પિતાનું અપમાન જ કરવું હોય, તો પુરુષો લગ્ન કરે છે જ શા માટે? આજકાલ લગ્ન પછી દીકરી અને તેના પરિવારને માત્ર કમાણીનું સાધન સમજીને તેમનું લોહી ચૂસવાનો પ્રયાસ કરવામાં આવે છે, જે અત્યંત શરમજનક છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હવે દેશમાં પુત્રવધૂઓ અને દીકરીઓનો અનાદર બિલકુલ સહન કરવામાં નહીં આવે અને આવા તત્વો સામે કાયદો હવે સંપૂર્ણ મજબૂતીથી દીકરીઓની વહારે ઊભો છે.

 

બચાવ કરતા એવી દલીલ કરી કે તેમના અસીલ પર માત્ર IPCની કલમ 498A (દહેજ ઉત્પીડન) જ લગાવવામાં આવી છે, ત્યારે કોર્ટે વકીલની આ દલીલને આકરા શબ્દોમાં ફગાવી દીધી હતી. જસ્ટિસ નાગરત્ને વકીલને ટકોર કરતા કહ્યું કે, "તમારે તો ખુશ થવું જોઈએ કે તમારા પર માત્ર કલમ 498A જ લાગી છે, જેમાં ફક્ત ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે." સુપ્રીમ કોર્ટે પોતાના આ કડક વલણથી સમાજને એક સીધો અને મજબૂત સંદેશ આપ્યો છે કે, કોઈ પણ પરિવાર કોઈની દીકરીને ઘરમાં લાવીને તેના પરિવારને માનસિક કે આર્થિક ત્રાસ આપી શકશે નહીં. આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે સુપ્રીમ કોર્ટ હવે દહેજના દૂષણને સમાજમાંથી જડમૂળથી ઉખાડી ફેંકવા માટે કટિબદ્ધ છે.

(6:33 PM IST)