News of Wednesday, 23rd September 2026
ચૂંટણી પંચની તટસ્થતા પર સુપ્રીમ કોર્ટની ચોંકાવનારી ટિપ્પણી: "માત્ર સ્વતંત્ર હોવું પૂરતું નથી, પંચ સ્વતંત્ર રીતે કામ કરતું દેખાવું પણ જોઈએ!"
મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી સમિતિમાંથી CJIને બાકાત રાખતા ૨૦૨૩ના કાયદા સામેની અરજીઓ પર જજ દીપાંકર દત્તા અને જજ સતીશ ચંદ્ર શર્મા વચ્ચે સર્જાયા મતભેદ: હવે મોટી બંધારણીય બેન્ચ નિર્ણય લેશે

નવી દિલ્હી: દેશમાં નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ યોજવા માટે સૌથી મહત્વપૂર્ણ એવી સંસ્થા ચૂંટણી પંચની સ્વાયત્તતાને લઈને સુપ્રીમ કોર્ટમાંથી એક ખૂબ જ ગંભીર અને વિવાદિત ટિપ્પણી સામે આવી છે. મુખ્ય ચૂંટણી કમિશન અને ચૂંટણી કમિશનરો ની પસંદગી પેનલમાંથી ભારતના મુખ્ય ન્યાયાધીશને બાકાત રાખવાના કેન્દ્ર સરકારના ૨૦૨૩ના કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચ માત્ર સ્વતંત્ર હોવું પૂરતું નથી, પરંતુ જનતાની નજરમાં તે સંપૂર્ણપણે નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે કામ કરતું દેખાવું પણ એટલું જ જરૂરી છે.
વર્તમાન કાયદા અનુસાર પસંદગી સમિતિમાં વડાપ્રધાન, લોકસભાના વિરોધ પક્ષના નેતા અને વડાપ્રધાન દ્વારા નામાંકિત કેન્દ્રીય મંત્રીનો સમાવેશ થાય છે. આ માળખા સામે ગંભીર સવાલો ઉઠાવતા જસ્ટિસ દત્તાએ વેધક પ્રશ્ન કર્યો હતો કે શું વડાપ્રધાન દ્વારા જ નિમાયેલા કેન્દ્રીય મંત્રી પસંદગી પ્રક્રિયામાં સ્વતંત્ર સંતુલન પૂરું પાડી શકે ખરા? આ સુનાવણી દરમિયાન બેન્ચના બે જજો વચ્ચે જ આ મામલે સ્પષ્ટ વિભાજન જોવા મળ્યું હતું. જસ્ટિસ દત્તા આ કેસને મોટી બેન્ચને સોંપવા સહમત ન હતા, જ્યારે બેન્ચના અન્ય સભ્ય જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માનું માનવું હતું કે આ બાબત ગંભીર બંધારણીય પ્રશ્નો ઉભા કરે છે, તેથી તેની સુનાવણી મોટી બેન્ચ દ્વારા થવી જોઈએ.
બેન્ચના બે ન્યાયાધીશો વચ્ચે મંતવ્યોમાં ભારે તફાવત અને મતભેદ સર્જાતાં, આ સંવેદનશીલ મુદ્દાને હવે યોગ્ય બંધારણીય બેન્ચની રચના માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ને સુપ્રત કરવામાં આવ્યો છે. હાલ પૂરતો ૨૦૨૩ના આ વિવાદિત કાયદાની બંધારણીય માન્યતા અંગે આખરી નિર્ણય અટકી પડ્યો છે. હવે ભવિષ્યમાં CJI દ્વારા નવી બંધારણીય બેન્ચની રચના કરવામાં આવ્યા બાદ જ આ મામલે આખરી નિર્ણય અને વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેના પર આખા દેશની નજર ટકેલી છે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
