તા. ૨૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૩ શુક્રવાર
News of Friday, 27th November 2026
દીપથૂન વિવાદમાં સુપ્રીમ કોર્ટનો કડક આદેશ: મંદિરના ટ્રસ્ટીઓ સસ્પેન્ડ, નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂક અને સુરક્ષા CRPFને સોંપાઈ
૨૮ નવેમ્બરે દીપથૂન પર દીવો પ્રગટાવવાનો આદેશ; આદેશના અમલની નિષ્ફળતા બદલ 'સંપૂર્ણ નિષ્ફળતા' ગણાવી ટ્રસ્ટી મંડળ સસ્પેન્ડ, અધિકારીઓને અવમાનના નોટિસ

મદુરાઈ, તા.૨૭: વિવાદિત 'દીપથૂન' સ્તંભ પર ઔપચારિક 'કાર્તિગાઈ દીપમ' પ્રગટાવવાના અગાઉના આદેશના પાલનમાં થયેલી નિષ્ફળતા બાદ સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમિલનાડુના મદુરાઈ સ્થિત ઉચિપિલ્લાયર મંદિરના ટ્રસ્ટી મંડળને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. અદાલતે દેવસ્થાનમની કામગીરીને "સંપૂર્ણ નિષ્ફળતા" ગણાવતા મંદિરની વ્યવસ્થા માટે નિવૃત્ત ન્યાયાધીશોને રીસીવર તરીકે નિયુક્ત કર્યા છે અને મંદિરની સુરક્ષા વ્યવસ્થા CRPF ને સોંપવાનો આદેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, "દેવસ્થાનમ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું છે, અને તેથી અમે ટ્રસ્ટી મંડળને તાત્કાલિક સસ્પેન્ડ કરીએ છીએ." કોર્ટે ચેતવણી આપી હતી કે બંધારણીય અરાજકતાને રોકવા માટે આવી પરિસ્થિતિઓનો "લોખંડી હાથ" થી સામનો કરવો પડશે, કારણ કે જો આમ નહીં થાય તો તે બંધારણીય અરાજકતા તરફ દોરી જશે.
આ મામલે અગાઉના આદેશોના અમલમાં તમિલનાડુ પોલીસની નિષ્ફળતાનો ઉલ્લેખ કરીને સુરક્ષા કેન્દ્રીય દળને સોંપવામાં આવી હતી. આ ઉપરાંત તમિલનાડુના મુખ્ય સચિવ, DGP અને મદુરાઈ કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓને અવમાનનાની નોટિસ જારી કરવામાં આવી હતી અને અદાલતે ટિપ્પણી કરી હતી કે કાર્યકારી અધિકારીઓએ તેમના રાજકીય બોસના આદેશ પર કામ કર્યું હોય તેવું લાગે છે.
પૃષ્ઠભૂમિ જોઈએ તો, સુપ્રીમ કોર્ટની પરવાનગી હોવા છતાં ૨૪ નવેમ્બરના રોજ તિરુપ્પારંકુન્દ્રમ ખાતે કાર્તિગાઈ દીપમ વિવાદિત પથ્થરના સ્તંભને બદલે પરંપરાગત ઉચીપિલ્લાયર મંડપમમાં પ્રગટાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બુધવારે તમિલનાડુ સરકારે દીપથૂનમાં દીવો પ્રગટાવવામાં નિષ્ફળતા બદલ સર્વોચ્ચ અદાલતમાં માફી માંગી હતી અને તે માટે મંદિરના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા.
નવા આદેશ મુજબ, સુપ્રીમ કોર્ટે શનિવાર, ૨૮ નવેમ્બરના રોજ વિવાદિત 'દીપથૂન' પર દીવો પ્રગટાવવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. અદાલતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ન્યાયિક આદેશોના અમલ અને બંધારણીય વ્યવસ્થા જાળવવા બાબતે કોઈપણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવામાં આવશે નહીં.
હવે ૨૮ નવેમ્બરના રોજ દીપથૂન પર દીવો પ્રગટાવવાની પ્રક્રિયા કેવી રીતે પાર પડે છે, CRPF અને નિયુક્ત રીસીવરોની કામગીરી કેવી રહે છે તેમજ અવમાન નોટિસ મામલે અધિકારીઓ શું જવાબ રજૂ કરે છે તેના પર સૌની નજર રહેશે.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
