તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
જાતીય સતામણીના કેસોમાં સંવેદનશીલતા માટે સર્વોચ્ચ અદાલતનો કડક આદેશ: સમગ્ર દેશની અદાલતો માટે નવી માર્ગદર્શિકા જાહેર
હાઈકોર્ટના વિવાદાસ્પદ ચુકાદાઓ સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: હવે જાતીય અપરાધના મામલાઓમાં ન્યાયિક કાર્યવાહીમાં સંવેદનશીલતા અને ગંભીરતા અનિવાર્ય, આરોપીઓને આકરી શિસ્તનો સામનો કરવો પડશે

નવી દિલ્હી: જાતીય સતામણી અને બળાત્કારના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓમાં અદાલતો દ્વારા આપવામાં આવતા નરમ અને સંવેદનહીન ચુકાદાઓ સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ આદેશમાં જાતીય અપરાધના કેસોને સંવેદનશીલ રીતે હેન્ડલ કરવા માટે નવી અને વ્યાપક માર્ગદર્શિકાઓને મંજૂરી આપી છે. દેશની તમામ અદાલતોને હવેથી આ નવી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
તાજેતરના સમયમાં અલ્હાબાદ અને પટના હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા કેટલાક વિવાદાસ્પદ ચુકાદાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હાઈકોર્ટે સગીરાના કપડાં ઉતારવાનો પ્રયાસ કે શરીરના અંગોને સ્પર્શ કરવા જેવી ઘટનાઓને 'બળાત્કારનો પ્રયાસ' ગણવાનો ઇનકાર કરી દીધો હતો, જેને લઈને દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો હતો. સુપ્રીમ કોર્ટે આ પ્રકારના ચુકાદાઓને રદ કરીને પીડિતોના મનોબળને તોડનારા ગણાવ્યા હતા અને અગાઉ જ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
નેશનલ જ્યુડિશિયલ એકેડેમી દ્વારા તૈયાર કરાયેલી ગાઈડલાઈન્સ
સુપ્રીમ કોર્ટે નેશનલ જ્યુડિશિયલ એકેડેમીની એક્સપર્ટ કમિટી દ્વારા તૈયાર કરાયેલ અહેવાલને મંજૂરી આપી છે. આ ગાઈડલાઈન્સનો મુખ્ય ઉદ્દેશ્ય જાતીય હિંસાના કેસોમાં ન્યાયિક અધિકારીઓની દ્રષ્ટિકોણમાં બદલાવ લાવવાનો અને પીડિતો પ્રત્યે સંવેદનશીલતા કેળવવાનો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવી માર્ગદર્શિકા ભારતીય સામાજિક પરિવેશને અનુરૂપ હોવી જોઈએ, જે ન્યાય પ્રક્રિયાને વધુ માનવીય અને તર્કબદ્ધ બનાવે.
પોલીસને પણ કડક સૂચનાઓ
માત્ર અદાલતો જ નહીં, પરંતુ સુપ્રીમ કોર્ટે રાજ્યોના પોલીસ મહાનિર્દેશકો અને ફરિયાદીઓના નિયામકોને પણ સૂચના આપી છે કે તેઓ પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆર (FIR) નોંધતી વખતે અથવા ચાર્જશીટ દાખલ કરતી વખતે આ હેન્ડબુકમાં જણાવેલી બાબતોનું પાલન કરે. આ પગલું તપાસ પ્રક્રિયામાં રહેલી ખામીઓને દૂર કરવા અને આરોપીઓને કાયદાના દાયરામાં લાવવા માટે લેવામાં આવ્યું છે.
શું હતું વિવાદનું મૂળ?
અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસમાં અવલોકન કર્યું હતું કે સગીરાના કપડાં કાઢવા કે તેને સ્પર્શવું એ બળાત્કારનો પ્રયાસ નથી. આ આદેશ સામે સુપ્રીમ કોર્ટે આપમેળે નોંધ (Suo Motu) લીધી હતી અને તેને રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 'બળાત્કારનો પ્રયાસ' એ માત્ર કાયદાકીય શબ્દ નથી, પરંતુ તે ગુનાની ગંભીરતા દર્શાવે છે. હવે નવી માર્ગદર્શિકાના અમલ સાથે, અદાલતો હવે જાતીય સતામણીના કેસોમાં આવા નબળા અને સંવેદનહીન તર્ક અપનાવી શકશે નહીં. આ આદેશ બાદ સમગ્ર ન્યાયિક તંત્રમાં જાતીય ગુનાઓને જોવાની દ્રષ્ટિમાં મોટો ફેરફાર આવવાની શક્યતા સેવાઈ રહી છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
