<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

રશિયન સેનામાં શહીદ થયેલા ભારતીયોના મૃતદેહો પર સુપ્રીમ કોર્ટનો કડક અને સંવેદનશીલ આદેશ: સ્વદેશ પરત મોકલતા પહેલા ફરજિયાત ડીએનએ (DNA) ટેસ્ટ કરાવવા નિર્દેશ!

વિદેશ મંત્રાલયને વળતરના દાવાઓ માટે નોડલ અધિકારી નિયુક્ત કરવા આદેશ; રશિયન આર્મીમાં અત્યાર સુધીમાં ૮૦ ભારતીયોના મૃત્યુ પામ્યા કે ગુમ થયા હોવાની કેન્દ્ર સરકાર દ્વારા પુષ્ટિ

નવી દિલ્હી : રશિયન સશસ્ત્ર દળોમાં ફરજ બજાવતી વખતે યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકોના મામલામાં સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ આદેશ જારી કર્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી મોહનાની બનેલી બેન્ચે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, રશિયન સેનામાં મૃત્યુ પામેલા ભારતીયોના નશ્વર અવશેષો ભારત પરત મોકલતા પહેલા તેમની ચોક્કસ ઓળખ માટે ફરજિયાત ડીએનએ (DNA) પરીક્ષણ કરવામાં આવે.

પરિવારોની ચિંતા અને અદાલતનું કડક પગલું

રોજગારની ખોટી તકોની લાલચે રશિયા ગયેલા અને બાદમાં સેનામાં ધકેલી દેવાયેલા ૨૬ ભારતીયોના પરિવારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચાલી રહી હતી. અરજદારોના વકીલોએ શબપેટીઓમાં મોકલવામાં આવતા અવશેષોની ઓળખને લઈને ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને કોર્ટે વિદેશ મંત્રાલયને આદેશ આપ્યો છે કે મૃતદેહો પરિવારજનોને સોંપતા પહેલા પ્રોફાઇલિંગ અને ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે. આ સાથે જ અસરગ્રસ્ત પરિવારોને રશિયન અધિકારીઓ પાસેથી વળતર મેળવવામાં મદદરૂપ બનવા માટે એક વિશેષ નોડલ અધિકારીની નિમણૂક કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે.

સરકાર દ્વારા રજૂ કરાયેલા ચોંકાવનારા આંકડા

કેન્દ્ર સરકારે અદાલતમાં આપેલી માહિતી મુજબ, અત્યાર સુધીમાં આશરે ૨૧૯ ભારતીય નાગરિકો રશિયન સૈન્યમાં જોડાયા હોવાની વિગતો સામે આવી છે. તેમાંથી ૧૩૯ લોકોને કરારમાંથી મુક્ત કરીને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે, જ્યારે બાકીના ૮૦ નાગરિકો કાં તો મૃત્યુ પામ્યા છે અથવા ગુમ થયા છે. સરકારે પુષ્ટિ કરી છે કે ૫૧ ભારતીયોના મૃત્યુની સત્તાવાર માહિતી મળી ચૂકી છે, જેમાંથી ૨૯ નાગરિકોના પાર્થિવ દેહ ભારત આવી ચૂક્યા છે અને અન્ય કેટલાકના ત્યાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ ૨૯ લોકોની ભાળ મેળવવાનું બાકી છે. સંઘર્ષના સક્રિય વિસ્તારો અને ડ્રોન હુમલા વચ્ચે આ અવશેષો મેળવવા અત્યંત પડકારજનક હોવા છતાં સરકાર પરિવારોને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે.

(11:23 PM IST)