<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

દહેજ ઉત્પીડન મુદ્દે સુપ્રીમ કોર્ટની અત્યંત કડક અને ઐતિહાસિક ટિપ્પણી: ‘છોકરાઓ લગ્ન જ કેમ કરે છે, જો પછી કન્યા અને તેના પરિવારનું અપમાન જ કરવું હોય?’

છત્તીસગઢના વર્ષ ૨૦૧૦ ના દહેજ મૃત્યુ કેસમાં દોષિત પતિના પરિવારની અપીલ સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી: ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેન્ચે ચુકાદો આપ્યો: દહેજ માટે પૈસા માંગવા અને સાસરિયા પક્ષ દ્વારા સતત માનસિક-શારીરિક ત્રાસ આપવો એ ગંભીર સામાજિક દૂષણ: સમાજમાં મજબૂત સંદેશ જવો જરૂરી

નવી દિલ્હી: દેશમાં દહેજ પ્રથા અને પરિણીત મહિલાઓ પર થતા અત્યાચારોના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે આજે સુપ્રીમ કોર્ટે એક દહેજ ઉત્પીડનના કેસની સુનાવણી દરમિયાન અત્યંત આકરી અને કડક ટિપ્પણી કરી છે. દેશની સર્વોચ્ચ અદાલતે સમાજની આંખ ઉઘાડતો એક મુખ્ય પ્રશ્ન પૂછતા કહ્યું હતું કે, "છોકરાઓ લગ્ન જ કેમ કરે છે, અને જો કરે છે, તો તેઓ છોકરી અને તેના પરિવારનું અપમાન કેમ કરે છે? સમાજમાં હવે એવો મજબૂત સંદેશ જવો જ જોઈએ કે કોઈ પણ વ્યક્તિ કન્યા અને તેના પરિવારનું આ પ્રકારે અનાદર કરવાનું ચાલુ રાખી શકે નહીં."

*સુપ્રીમ કોર્ટે દોષિતોને રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો* પ્રાપ્ત વિગતો અનુસાર, છત્તીસગઢમાં વર્ષ ૨૦૧૦ માં બનેલી એક દહેજ મૃત્યુની ઘટનામાં નીચલી અદાલત દ્વારા પતિના પરિવારના સભ્યોને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. આ સજા સામે મૃતક મહિલાના નાના સાળા (પતિના ભાઈ) દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરીને સજા પડકારવામાં આવી હતી અને રાહત માંગવામાં આવી હતી. જોકે, ન્યાયાધીશ જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની ખંડપીઠે આ કેસમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાનો કે રાહત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને આરોપીઓની અપીલને ફગાવી દીધી હતી.

*લાંબા સમયના ત્રાસ બાદ પરિણીતાએ કરી હતી આત્મહત્યા* સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ આવેલા તથ્યો અને મેડિકલ રિપોર્ટ મુજબ, ભોગ બનનાર મહિલાને તેના સાસરિયાના ઘરે લાંબા સમયથી દહેજની માંગણી સબબ અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. આ સતત ઉત્પીડનથી કંટાળીને આખરે મહિલાએ પોતાના સાસરિયાના ઘરે જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુપ્રીમ કોર્ટે રેકોર્ડ પરના પુરાવાઓને આધારે સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું કે, સાસરિયાઓ દ્વારા દહેજની સતત માંગણી અને ઉત્પીડન જ મહિલાના મૃત્યુનું સીધું અને મુખ્ય કારણ હતું.

*દહેજ માટે પૈસા માંગવા એ ગંભીર સામાજિક દૂષણ: અદાલત* સુપ્રીમ કોર્ટની બેન્ચે પતિના પરિવારના વર્તનની આકરી આલોચના કરતા જણાવ્યું કે, લગ્ન જેવા પવિત્ર બંધન પછી પણ દહેજ પેટે પૈસાની માંગણી કરવી અને કન્યા પક્ષને નીચો દેખાડી તેમનું અપમાન કરવું એ એક અત્યંત ગંભીર સામાજિક દૂષણ છે. અદાલતે આવા ગુનાઓમાં કોઈ પણ પ્રકારની નરમાઈ દાખવવાનો ઇનકાર કરીને દોષિતોને જેલહવાલે રાખવાનો આદેશ યથાવત રાખ્યો છે

(11:54 PM IST)