<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા જંક ફૂડ સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ: પેક્ડ ફૂડ પર સ્પષ્ટ 'ચેતવણી લેબલ' લગાવવા માટે કેન્દ્ર સરકાર અને FSSAI ને તાકીદ!

હાઈ શુગર, સોલ્ટ અને ચરબીયુક્ત પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર લાલ રંગના ષટ્કોણ આકારની ચેતવણી આપતો પ્રસ્તાવ; અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ સામે રાષ્ટ્રીય હિતમાં કડક પગલાં લેવા આદેશ

નવી દિલ્હી : દેશમાં વધી રહેલા બાળ સ્વાસ્થ્યના પ્રશ્નો અને જંક ફૂડના વધતા પ્રકોપને લઈને સર્વોચ્ચ અદાલતે અત્યંત ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે પેકેજ્ડ ખાદ્ય ઉત્પાદનો કે જેમાં મીઠું, ખાંડ અને ચરબીનું પ્રમાણ વધુ હોય, તેના પર સ્પષ્ટ અને મોટું 'ચેતવણી લેબલ' (Warning Label) લગાવવા માટે કડક નીતિ અપનાવવા પર ભાર મૂક્યો છે. ન્યાયાધીશ જેબી પારડીવાલા અને કે વિનોદ ચંદ્રનની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ સમગ્ર મામલો પ્રત્યેક નાગરિકના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે અને રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખીને તમામ હિસ્સેદારોએ આના પર ગંભીર વિચાર કરવો પડશે.

 

FSSAI ની માર્ગદર્શિકા અને કોર્ટના સવાલો

 

સુપ્રીમ કોર્ટમાં પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ 3S અને અવર હેલ્થ સોસાયટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બેન્ચે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ની માર્ગદર્શિકા અંગે તીખા સવાલો કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે હાલમાં પેકેજ્ડ ફૂડની સામગ્રીની વિગતો માત્ર પાછળના ભાગે નાના અક્ષરોમાં લખેલી હોય છે, જે ગ્રાહકો સરળતાથી વાંચી શકતા નથી. વરિષ્ઠ વકીલોએ દલીલ કરી હતી કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક અને નાસ્તાના ઉત્પાદનોની બનાવટ પર વધુ મજબૂત અને સ્પષ્ટ ચેતવણીઓ હોવી અત્યંત જરૂરી છે જેથી ગ્રાહકો, ખાસ કરીને બાળકો સાવચેત રહી શકે.

 

લાલ રંગના ષટ્કોણ આકારના ચેતવણી લેબલનો પ્રસ્તાવ

 

અગાઉ FSSAI એ કોર્ટને માહિતી આપી હતી કે સંતૃપ્ત ચરબી, ખાંડ અથવા મીઠાનું પ્રમાણ વધુ ધરાવતા ખાદ્ય ઉત્પાદનોના પેકેજ પર આગળની બાજુએ 'લાલ રંગના ષટ્કોણ આકાર' (Red Hexagon FOPL) માં સ્પષ્ટ ચેતવણી આપતો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ લેબલ્સ પર "હાઈ ફેટ", "હાઈ સુગર", "હાઈ સોલ્ટ" અથવા "હાઈલી સ્વીટનેડ બેવરેજ" જેવા શબ્દો સ્પષ્ટપણે દર્શાવવામાં આવશે, જેથી ગ્રાહકો ખરીદી કરતી વખતે જ સાવધ થઈ શકે. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને પોતાનો અંતિમ નિર્ણય રેકોર્ડ પર મૂકવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે અને ટૂંક સમયમાં જ આ અંગેનો વિગતવાર આદેશ અપલોડ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

(8:32 PM IST)