News of Thursday, 26th November 2026
NDAમાં જોડાવાની અટકળો પર સુપ્રિયા સુળેનો આકરો જવાબ: "બારામતીની જનતાએ ગોસિપ નહીં, કામ કરવા ચૂંટ્યા છે"
શરદ પવાર મુખ્યમંત્રી પદની માંગ કરશે તેવી વાતો ફગાવી; પત્રકારોને અફવાઓના બદલે નીતિગત મુદ્દા અને સંસદીય કામગીરી પર પ્રશ્નો પૂછવા અપીલ, પક્ષના નામ-ચિહ્ન વિવાદમાં અન્યાય થયાનો આક્ષેપ

મુંબઈ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-SP) ના નેતા સુપ્રિયા સુળેએ પોતાની પાર્ટી NDAમાં જોડાશે અને શરદ પવાર તેમના માટે મુખ્યમંત્રી પદની માંગ કરશે તેવી ચાલી રહેલી તમામ રાજકીય અટકળોને આકરા શબ્દોમાં ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે બારામતીની જનતાએ તેમને રાજ્ય અને દેશ માટે કામ કરવા માટે ચૂંટ્યા છે, નહીં કે ગોસિપ કરવા માટે.
પોતાના પક્ષ અંગે ઊભી થયેલી અટકળોના સવાલ પર સુળેએ કહ્યું કે તેઓ એક ગંભીર રાજકારણી અને પોલિસીમેકર છે. તેમણે મીડિયાને અનુરોધ કર્યો કે પાયાવિહોણી વાતો અને અફવાઓને બદલે નીતિગત મુદ્દા, જવાબદારી અને શાસન વ્યવસ્થા પર ચર્ચા થવી જોઈએ. મુખ્યમંત્રી પદ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે સ્વર્ગસ્થ અજિત પવારને યાદ કરતા કહ્યું કે તેઓ હંમેશા કહેતા હતા કે વિધાનસભામાં જેની પાસે જરૂરી સંખ્યાબળ હોય, તે જ મુખ્યમંત્રી બને.
સુપ્રિયા સુળેએ પત્રકારોને કહ્યું કે તેમને સંસદમાં તેમના કામકાજ, ચાર સંયુક્ત સંસદીય સમિતિઓ અને નાણાકીય સમિતિમાં તેમના યોગદાન અંગે સવાલો પૂછવા જોઈએ. તેમણે ઉમેર્યું કે આજની નવી પેઢી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી જવાબદારીની અપેક્ષા રાખે છે અને તેઓ પોતાના કામને લગતા પ્રશ્નોના જવાબ આપવા હંમેશા તૈયાર છે. તેમનું રાજકારણ વ્યક્તિગત આક્ષેપો પર આધારિત નથી અને તેમણે વહીવટ તથા શાસન વ્યવસ્થા અંગે સતત અવાજ ઉઠાવ્યો છે.
પક્ષમાં આંતરિક મતભેદોના અહેવાલો અંગે સુળેએ કહ્યું કે મજબૂત લોકશાહીમાં દરેકને પોતાના વિચારો રજૂ કરવાનો અધિકાર છે અને જેટલો બોલવાનો અધિકાર છે, તેટલી જ સાંભળવાની તૈયારી પણ હોવી જોઈએ. સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું કે NCPની સ્થાપના શરદ પવારે કરી હતી અને તેઓ જ તેના પ્રમુખ છે, જ્યારે પક્ષના નામ અને ચૂંટણી ચિહ્નના વિવાદમાં તેમની સાથે અન્યાય થયો છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
