News of Tuesday, 7th July 2026
આકાશી આફતથી સુરત જળબંબોળ : દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ વચ્ચે કામેરેજમાં ૧૨ અને સુરત શહેરમાં ૧૦ ઇંચ વરસાદથી ખાબકેલી પૂરની સ્થિતિમાં ૪ લોકોના મોત - ૨,૧૦૦થી વધુ નાગરિકોનું કરાયું સ્થળાંતર : જુઓ વિડીયો
એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ. અને ફાયર બ્રિગેડ દ્વારા બોટો તેમજ ટ્રેક્ટરોની મદદથી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી : મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન અને કલેક્ટર તેજસ પરમાર દ્વારા સમગ્ર જિલ્લાના વહીવટી તંત્રને ૨૪ કલાક એલર્ટ પર રહેવા કડક આદેશ

સુરત, ૭ જુલાઈ : દક્ષિણ ગુજરાત પર સક્રિય થયેલી વિવિધ મજબૂત હવામાન પ્રણાલીઓને કારણે સુરત શહેર અને સમગ્ર જિલ્લામાં મંગળવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ભારે તબાહી મચાવી છે. સોમવારે પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યા બાદ, આજે વહેલી સવારથી જ ફરીથી શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે શહેરના તમામ નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ, રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ અને ગટર લાઈનોમાં કમર સુધીના પાણી ભરાઈ જતાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. આ પૂર જેવી પરિસ્થિતિમાં અત્યાર સુધીમાં વરસાદને લગતી અલગ-અલગ ઘટનાઓમાં ૪ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે હજારો લોકો આ કુદરતી આફતથી પ્રભાવિત થયા છે.
કામેરેજમાં ૧૨ ઇંચ અને સુરતમાં ૧૦ ઇંચ વરસાદથી જળબંબોળની સ્થિતિ:
રાજ્ય સરકારના સત્તાવાર વરસાદી આંકડા અનુસાર, આજે સવારે ૬:૦૦ વાગ્યાથી સાંજના ૪:૦૦ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૬૪ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં સુરત જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ કામેરેજમાં ૧૨ ઇંચ, સુરત શહેરમાં ૧૦ ઇંચ અને પલસાણામાં ૮.૮ ઇંચ નોંધાયો છે. મુશળધાર વરસાદના કારણે સ્થાનિક ખાડીઓમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનના જણાવ્યા અનુસાર, સ્થિતિની ગંભીરતાને જોતાં અત્યાર સુધીમાં ૨,૧૦૦ થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર શહેરમાં એન.ડી.આર.એફ. તેમજ એસ.ડી.આર.એફ.ની ટીમો તૈનાત કરી દેવાઈ છે.
કરંટ લાગવાથી અને વીજળી પડવાથી ૪ લોકોના કરૂણ મોત:
સુરતમાં સર્જાયેલી આકાશી આફત વચ્ચે કુલ ૪ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં એક બાળકીનું કરંટ લાગવાથી અને એક મહિલાનું વીજળી પડવાના કારણે મોત નીપજ્યું છે. અન્ય એક ઘાતક ઘટનામાં, મોટી મસ્જિદ નજીક સુજાત ખાન સ્ટ્રીટમાં રહેતો ૨૮ વર્ષનો આઝમ આલમ અબ્દુલ કમાલ વરસાદમાં નહાયા બાદ ભીના કપડે પોતાના ઘરમાં પ્રવેશ કરી રહ્યો હતો, ત્યારે લોખંડની સીડીમાંથી જોરદાર કરંટ લાગતા તે પટકાયો હતો. તેને બચાવવા માટે દોડેલો તેનો મિત્ર ૪૩ વર્ષનો મોહમ્મદ સલમાન મોહમ્મદ ઇરશાદ શેખ પણ વીજ કરંટની ઝપેટમાં આવી ગયો હતો અને બંને સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ વીજ પુરવઠો બંધ કરીને બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. રાંદેર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
ઘરોમાં ફસાયેલા લોકો માટે બોટો અને ટ્રેક્ટરો વડે રેસ્ક્યુ ઓપરેશન:
શહેરના સાનિયા હેમાદ, કતારગામ, ભેસ્તાન, નાસિરનગર, વેડ પંડોળ, હોલી બંગલા, પર્વત પાટીયા, ગોડાદરા, ઉધના દરવાજા, વરાછા, મોટા વરાછા અને કતારગામ દેરી ફળિયા જેવા વિસ્તારો ઘૂંટણથી કમર સુધીના પાણીમાં ડૂબી ગયા છે. લોકો પોતાના ઘરોમાં કેદ થઈ જતાં ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા બોટો તેમજ ટ્રેક્ટરોની મદદથી બચાવ કામગીરી શરૂ કરાઈ છે. આ દરમિયાન ખંભાતથી સુરત આવી રહેલી જી.એસ.આર.ટી.સી.ની એક એસ.ટી. બસ સવારે ૧૧:૫૦ વાગ્યે સહારા દરવાજા-વ્રજ ચોક પાસે ઊંડા પાણીમાં ફસાઈ ગઈ હતી. બસમાં ડ્રાઈવર મુકેશભાઈ રાવત અને કંડક્ટર ઇલિયાસભાઈ સૈયદ સહિત કુલ ૨૮ મુસાફરો સવાર હતા. પાણીનું સ્તર સતત વધતું હોવા છતાં ફાયર બ્રિગેડની ટીમે સ્થાનિક ટ્રેક્ટરની મદદથી માત્ર ૨૫ મિનિટમાં તમામ મુસાફરોને એક પછી એક સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. આ સિવાય, સરથાણા વિસ્તારમાં એક શાળામાં પૂરના પાણી ઘૂસી જતાં પોલીસે ૩૭ બાળકો અને ૧૨ સ્ટાફ સભ્યો સહિત કુલ ૪૯ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. પાલ પોલીસ સ્ટેશન સહિતના જવાનો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરીને લોકોને મદદ પહોંચાડી રહ્યા છે.
ટ્રાફિક વ્યવહાર ખોરવાયો, શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર:
ઉધના દરવાજા વિસ્તારમાં ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં અનેક કાર અને બાઇકો બંધ પડી ગયા હતા, જ્યારે પર્વત પાટીયા-કડોદરા રોડ પર માત્ર દસ મિનિટમાં ૪૦ થી વધુ વાહનો ફસાઈ ગયા હતા. વરાછા, કતારગામ, વેસુ, મહાવીર યુનિવર્સિટી વિસ્તાર, ગોડાદરા, ઉતરાણ અને પાલનપુર જકાતનાકા જેવા વિસ્તારોમાં ભારે જળબંબોળના કારણે ટ્રાફિક વ્યવહારને વ્યાપક અસર થઈ છે. કેટલાક નાળાઓ સંપૂર્ણ ડૂબી જતાં લોકો રેલવે ટ્રેક ઓળંગીને જતા જોવા મળ્યા હતા. હવામાન વિભાગની અત્યંત ભારે વરસાદની આ ચિંતાજનક આગાહીને પગલે સુરત મહાનગરપાલિકા અને નગરપાલિકા સીમા હેઠળની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ તમામ આંગણવાડીઓમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખીને રજા જાહેર કરવામાં આવી હતી.
સુરત કલેક્ટરની નાગરિકોને અપીલ અને સમગ્ર દક્ષિણ ગુજરાત હાઈ એલર્ટ પર:
સુરત કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું છે કે, જિલ્લાના તમામ કંટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત કરી દેવામાં આવ્યા છે અને તમામ મામલતદાર તેમજ તાલુકા પંચાયત કચેરીઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે. તાપી નદી હાલમાં ભયજનક સપાટીએ વહી રહી ન હોવાથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ બિનજરૂરી મુસાફરી ટાળવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે. સુરત ઉપરાંત નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં પણ વહીવટી તંત્ર અત્યંત સતર્ક છે. નવસારીની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને આગામી કલાકોમાં ભારે વરસાદની સંભાવનાને પગલે તમામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ અને એસ.ડી.આર.એફ.ની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
