<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

સોશિયલ મીડિયા પર સેન્સરની સર્જિકલ સ્ટ્રાઈક: હવે ૨ જ કલાકમાં ગાયબ થશે આપત્તિજનક કન્ટેન્ટ : સરકારે આઈટી નિયમો કર્યા લોખંડી

ડીપફેક અને નકલી નગ્નતા ફેલાવનારા સાયબર માફિયાઓની હવે ખેર નથી: સરકારે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને એક્સ જેવા દિગ્ગજોને અલ્ટીમેટમ આપ્યું : AI જનરેટેડ વીડિયો પર 'સિન્થેટિક મીડિયા'નું લેબલ મારવું હવે ફરજિયાત

નવી દિલ્હી: ડિજિટલ દુનિયામાં વધતા જતા ડીપફેક અને મોર્ફ કરેલા ફોટાઓના આતંકને નાથવા માટે ભારત સરકારે આઈટી નિયમો ૨૦૨૬માં ઐતિહાસિક સુધારો કર્યો છે. હવે જો કોઈની ખાનગી પળો કે અસહમતિ વિનાના ઘનિષ્ઠ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થશે, તો પ્લેટફોર્મ્સે ફરિયાદ મળ્યાના માત્ર ૨ કલાકની અંદર તેને હટાવવા પડશે. અગાઉ આ પ્રક્રિયામાં ૨૪ કલાક કે તેથી વધુ સમય લાગતો હતો, જેના કારણે ભોગ બનનાર વ્યક્તિની સામાજિક પ્રતિષ્ઠાને ન ભરી શકાય તેવું નુકસાન થતું હતું. નવી જોગવાઈ મુજબ, કોર્ટ કે સરકારના આદેશવાળા કિસ્સામાં તો મહત્તમ ૩ કલાકમાં જ કાર્યવાહી પૂર્ણ કરવી અનિવાર્ય છે.

ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓને ટાર્ગેટ કરતા સાયબર ગુનેગારો જે રીતે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)નો દુરુપયોગ કરીને નકલી સામગ્રી બનાવી બ્લેકમેલ કરે છે, તેના પર આ નિયમ સીધો પ્રહાર કરશે. રિપોર્ટ્સ અનુસાર, આ કડકાઈ બાદ લગભગ ૭૫% આપત્તિજનક સામગ્રી હવે ૨ કલાકની અંદર જ ડિલીટ કરવામાં આવી રહી છે. આ માટે સોશિયલ મીડિયા કંપનીઓને હાઈ-ટેક AI ડિટેક્શન ટૂલ્સ અને સ્પેશિયલ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો તૈનાત કરવા આદેશ અપાયો છે, જેથી ઝેરી કન્ટેન્ટ વધુ ફેલાય તે પહેલા જ તેને ડામી શકાય.

નવા નિયમોમાં 'સિન્થેટિક મીડિયા' એટલે કે AI દ્વારા બનાવેલા ફોટા કે વીડિયો માટે કડક લેબલિંગ ફરજિયાત બનાવ્યું છે. જો કોઈ વીડિયો વાસ્તવિક નથી, તો તેના પર સ્પષ્ટ લેબલ હોવું જોઈએ જેથી જનતા ગેરમાર્ગે ન દોરાય. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જવાબદારી હવે માત્ર કન્ટેન્ટ હોસ્ટ કરવા પૂરતી નહીં, પણ તેના પર નજર રાખી ત્વરિત એક્શન લેવા સુધીની રહેશે. આ પગલાથી ઓનલાઈન ટ્રોલિંગ અને માનસિક ત્રાસની ઘટનાઓમાં મોટો ઘટાડો આવવાની આશા છે.

(6:08 PM IST)