News of Saturday, 28th November 2026
દિલ્હી પોલીસના હાથે જૈશનો શંકાસ્પદ આતંકી ઝડપાયો
ગુજરાતમાં પકડાયેલા આરોપી સાથે કનેક્શન?તપાસ એજન્સીઓએ જાણવાનો પ્રયાસ

નવી દિલ્હી,તા.૨૮: દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકી પર સોશિયલ મીડિયા મારફતે નજર રાખવામાં આવી રહી હતી. જૈશના આ શંકાસ્પદની પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ થોડા દિવસ પહેલાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હી પોલીસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સોશિયલ મીડિયા દ્વારા ભારતમાં યુવાનોનું બ્રેઇનવોશ કરવામાં લાગી છે અને તેમને સ્લીપર સેલ તરીકે ભરતી કરવામાં આવી રહ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીને પણ સોશિયલ મીડિયા દ્વારા ભરતી કરવામાં આવ્યો હતો. હવે એજન્સી એ વાતની તપાસ કરી રહી છે કે ધરપકડ કરાયેલા શંકાસ્પદનો ગુજરાતમાં પકડાયેલા જૈશના આતંકી સાથે કોઈ સંબંધ છે કે નહીં.
હકીકતમાં, ગુજરાત ATSએ શુક્રવારે મોટી કાર્યવાહી કરતાં વડોદરામાંથી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી એક AK-47 રાઇફલ અને ૨૩ કારતૂસ મળી આવ્યાં હતાં. ગુજરાત ATSને મળેલી ગુપ્ત માહિતીના આધારે વડોદરા જિલ્લાના જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જરોદ બસ સ્ટેશન પાસે ATSની ટીમે ઘેરાબંધી કરીને એક શંકાસ્પદ વાહનને અટકાવ્યું હતું. વાહનની તપાસ કરતાં સુરક્ષા એજન્સીઓને તેમાંથી એક AK-47 રાઇફલ અને ૨૩ કારતૂસ સહિત અત્યાધુનિક હથિયારો મળી આવ્યાં હતાં.
આ કાર્યવાહી દરમિયાન ATSએ ઘટનાસ્થળેથી એક વ્યક્તિને અટકાયતમાં લીધો હતો. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ધરપકડ કરાયેલો આરોપી કુખ્યાત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી મૂળ આસામનો રહેવાસી છે.
હાલમાં ગુજરાત ATS આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપી આ ઘાતક હથિયારો ક્યાંથી લાવ્યો હતો, ગુજરાતમાં તેનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને તે હથિયારોનો જથ્થો કોને સોંપવાનો હતો.
જરોદ બસ સ્ટેશન જેવા ભીડભાડવાળા વિસ્તારની નજીકથી AK-47 જેવાં ઘાતક હથિયાર સાથે જૈશ સાથે જોડાયેલા શંકાસ્પદની ધરપકડને સુરક્ષાની લ્લષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ATS હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપી એકલો જ કામ કરી રહ્યો હતો કે તેની પાછળ કોઈ મોટું નેટવર્ક સક્રિય હતું. શું આરોપી ગુજરાતમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હતો કે પછી તે માત્ર હથિયારો પહોંચાડવા આવ્યો હતો? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે પૂછપરછ ચાલુ છે
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
