<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

સુવેન્દુ કેબિનેટનું 'મિશન બંગાળ': દિલીપ ઘોષને પંચાયત તો અગ્નિમિત્રાને મહિલા કલ્યાણ, જાણો કોને મળ્યું કયું પદ?

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ સુવેન્દુ અધિકારીએ મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી કરી : કેન્દ્રીય યોજનાઓના અમલ અને સરહદી સુરક્ષા માટે લેવાયા ઐતિહાસિક નિર્ણયો: સરકારી નોકરીમાં વય મર્યાદા વધતા યુવાનોમાં ખુશીનો માહોલ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં નવી સરકારના શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ વહીવટી તંત્રને વેગ આપવા માટે મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપના કદાવર નેતા દિલીપ ઘોષને પંચાયત, ગ્રામીણ વિકાસ અને કૃષિ માર્કેટિંગ જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, જે ગ્રામીણ બંગાળમાં ભાજપની પકડ મજબૂત કરવાના સંકેત આપે છે. બીજી તરફ, અગ્નિમિત્રા પોલને શહેરી વિકાસની સાથે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સોંપાયો છે. આ ઉપરાંત, નિશીથ પ્રામાણિકને રમતગમત અને ઉત્તર બંગાળના વિકાસની કમાન સોંપવામાં આવી છે, જ્યારે ખુદીરામ ટુડુને આદિવાસી વિકાસ અને અશોક કિર્તાનિયાને ખાદ્ય વિભાગની જવાબદારી મળી છે.

કેબિનેટની પ્રથમ બેઠકમાં જ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ અનેક મોટા નિર્ણયોની જાહેરાત કરીને 'એક્શન મોડ' બતાવ્યો છે. વર્ષોથી અટકેલા ભારત-બાંગ્લાદેશ સરહદ પર વાડ બનાવવાના કામ માટે BSFને જમીન ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે, જે પ્રક્રિયા માત્ર 45 દિવસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ સાથે જ રાજ્યમાં આયુષ્માન ભારત, પીએમ વિશ્વકર્મા અને બેટી બચાવો બેટી પઢાઓ જેવી કેન્દ્રીય યોજનાઓને તાત્કાલિક લાગુ કરવા માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. ખાસ કરીને ઉજ્જવલા યોજના હેઠળ પેન્ડિંગ પડેલી અરજીઓ પર કેન્દ્ર સાથે મળીને ઝડપથી કામ શરૂ કરવામાં આવશે.

શિક્ષણ અને રોજગારના ક્ષેત્રે પણ સરકારે મોટી રાહત આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા વચન મુજબ, સરકારી શાળાઓમાં નોકરી માટે અરજી કરનારાઓ માટે વય મર્યાદામાં 5 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. વહીવટી સુધારા અંતર્ગત IAS અને IPS અધિકારીઓને કેન્દ્રીય તાલીમ માટે મોકલવાનો નિર્ણય લેવાયો છે અને રાજ્યમાં તાત્કાલિક અસરથી નવા ભારતીય ન્યાય સંહિતા ને લાગુ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સરકાર બંગાળને વિકાસના પથ પર લઈ જવા અને કેન્દ્ર સાથે સુમેળ સાધવા માટે પ્રતિબદ્ધ છે.

(7:29 PM IST)