<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

બંગાળમાં ‘સુવેન્દુ યુગ’નો પ્રારંભ: સીએમ અધિકારીએ સંભાળી કમાન, પૂર્વ SIR નિરીક્ષક સુબ્રત ગુપ્તા બન્યા મુખ્ય સલાહકાર અને શાંતનુ બાલાને સોંપાઈ મહત્વની જવાબદારી

૧૫ વર્ષના મમતા શાસનનો અંત અને ભાજપ સરકારનો શપથવિધિ; કોલકાતામાં પીએમ મોદી અને અમિતભાઈ શાહની હાજરીમાં ભવ્ય સમારોહ, સચિવાલયમાં વહીવટી ફેરબદલનો દોર શરૂ

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ સુવેન્દુ અધિકારીએ રાજ્યના ૯મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. શપથ લીધાના ગણતરીના કલાકોમાં જ મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને વેગ આપવા માટે મોટી નિમણૂકોની જાહેરાત કરી દીધી છે. જેમાં નિવૃત્ત IAS અધિકારી સુબ્રત ગુપ્તાને મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અનુભવી અધિકારીઓની ટીમ તૈનાત
૧૯૯૦ બેચના સિનિયર IAS અધિકારી સુબ્રત ગુપ્તા, જેઓ ચૂંટણી પંચના સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વર તરીકે સેવા આપી ચૂક્યા છે, તેઓ હવે સુવેન્દુ સરકારના મુખ્ય વ્યૂહરચનાકાર અને સલાહકારની ભૂમિકા ભજવશે. તેમની સાથે ૨૦૧૭ બેચના તેજસ્વી IAS અધિકારી શાંતનુ બાલાને મુખ્યમંત્રીના અંગત સચિવ (PS) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શાંતનુ બાલા આ પહેલા દક્ષિણ ૨૪ પરગણાના એડીએમ તરીકે ફરજ બજાવતા હતા. રાજ્યપાલ આર.એન. રવિ દ્વારા આ નિમણૂકોને તાત્કાલિક અસરથી મંજૂરી આપી દેવામાં આવી છે.
તૃણમૂલના ગઢમાં ભાજપનો કેસરીયો
આ વખતે બંગાળમાં પરિવર્તનની લહેર એવી ચાલી કે મમતા બેનર્જીના ૧૫ વર્ષના શાસનનો સૂર્ય આથમી ગયો. ભાજપે ૨૯૪ બેઠકોમાંથી ૨૦૭ બેઠકો પર ઐતિહાસિક જીત નોંધાવી છે. ખુદ સુવેન્દુ અધિકારીએ ભવાનીપુર જેવી હાઈ-પ્રોફાઈલ બેઠક પર મમતા બેનર્જીને ૧૫,૦૦૦ થી વધુ મતોથી હરાવીને જાયન્ટ કિલર સાબિત થયા છે. આ સાથે તેમણે પોતાની નંદીગ્રામ બેઠક પણ જાળવી રાખી છે.
દિલ્હીના દિગ્ગજોની હાજરીમાં શપથવિધિ
કોલકાતામાં આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને જે.પી. નડ્ડા સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા. સુવેન્દુ અધિકારીની સાથે દિલીપ ઘોષ, અગ્નિમિત્ર પોલ અને નિસિથ પ્રામાણિક જેવા દિગ્ગજ નેતાઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે. નવા મુખ્યમંત્રીએ સત્તા સંભાળતાની સાથે જ સ્પષ્ટ કરી દીધું છે કે તેમનું પ્રાધાન્ય રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુધારવાનું તથા વિકાસને વેગ આપવાનું રહેશે.
બંગાળમાં હવે નવી સરકારની રચના સાથે વહીવટી માળખામાં મોટા ફેરફારો થવાની શક્યતા છે, જેની શરૂઆત આજે આ મહત્વની નિમણૂકોથી થઈ ચૂકી છે.

(11:02 PM IST)