તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
ડ્રગ્સ માફિયાઓ સામે સુવેન્દુ અધિકારીનું આક્રમક વલણ: બુલડોઝર-રોડ રોલર પર બેસીને ૨ લાખ કફ સિરપની બોટલોનો કર્યો સફાયો
દક્ષિણ દિનાજપુરમાં BSF અને રાજ્ય પોલીસની સંયુક્ત કામગીરી; "ડ્રગ-મુક્ત પશ્ચિમ બંગાળ" બનાવવાનો સંકલ્પ અને બાલુરઘાટમાં નવી મેડિકલ કોલેજ સ્થાપવાની મોટી જાહેરાત

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ડ્રગ્સની ગેરકાયદે હેરાફેરી અને નશાખોરી સામે બુલડોઝર એક્શન મોડમાં જોવા મળેલા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ડ્રગ માફિયાઓને સખત સંદેશ આપ્યો છે. દક્ષિણ દિનાજપુર જિલ્લાના બાલુરઘાટ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની ઓફિસની બહાર BSF અને રાજ્ય પોલીસ દ્વારા જપ્ત કરાયેલી પ્રતિબંધિત 'ફેન્સિડિલ' કફ સિરપની ૨,૦૦,૦૦૦ (૨ લાખ) થી વધુ બોટલો પર મુખ્યમંત્રીએ પોતે રોડ રોલર ચલાવીને તેનો સંપૂર્ણ નાશ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદાર અને આરોગ્ય મંત્રી શરદવત મુખોપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી બન્યા બાદ બાલુરઘાટની પોતાની પ્રથમ મુલાકાત દરમિયાન સુવેન્દુ અધિકારીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "ડ્રગ-મુક્ત ભારત" અભિયાનને સાકાર કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. છેલ્લા ચાર મહિનામાં સરહદ સુરક્ષા દળ (BSF) અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન કરીને આ જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, "આજે પ્રતીકાત્મક રીતે આ નશાના કારોબારનો નાશ કરીને અમે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બંગાળની ભૂમિ પર ડ્રગ્સ ચલાવી લેવામાં આવશે નહીં."
બાંગ્લાદેશમાં થતી હતી દાણચોરી: BSF અને પોલીસ વચ્ચે સંકલન વધારાયું
આ કફ સિરપનો ઉપયોગ નશા તરીકે કરીને તેને ગેરકાયદેસર રીતે પડોશી દેશ બાંગ્લાદેશમાં સ્મગલિંગ કરવામાં આવતો હતો. અગાઉ સ્થાનિક પોલીસ અને BSF વચ્ચે યોગ્ય સંકલનનો અભાવ હતો, પરંતુ હવે બંને એજન્સીઓ સાથે મળીને કડક કાર્યવાહી કરી રહી છે. મુખ્યમંત્રીએ ડ્રગ્સના કારોબારમાં સંકળાયેલા ગુનેગારોને કડક ચેતવણી આપતા કહ્યું કે, યુવા પેઢીના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારા તત્વોને ક્યારેય બક્ષવામાં આવશે નહીં અને તેમને લાંબા સમય સુધી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.
પોતાના આ પ્રવાસ દરમિયાન તેમણે બાલુરઘાટ એરપોર્ટના વિકાસકાર્યોનું નિરીક્ષણ કર્યું હતું અને વહીવટી સમીક્ષા બેઠક યોજી હતી. આ સાથે તેમણે બાલુરઘાટના નિવાસીઓ માટે આરોગ્ય ક્ષેત્રે એક નવી મેડિકલ કોલેજ સ્થાપવાની મોટી ભેટ પણ આપી હતી.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
