<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

બંગાળ વિધાનસભામાં રાજકીય કડવાશ વચ્ચે 'મીઠો' વળાંક: ધારાસભ્ય હુમાયુ કબીરે CM સુવેન્દુ અધિકારીને ગળે લગાવી વહેંચી ૬૫૦ મીઠાઈઓ!

મુર્શિદાબાદના પ્રખ્યાત ચણાબારા અને હુગલીની મનોહરા મીઠાઈએ ગૃહમાં જમાવી રંગત; બે બેઠકો જીતનાર હુમાયુ કબીરનું ૩૬૦ ડિગ્રી પરિવર્તન જોઈ સૌ કોઈ ચકિત

કોલકાતા : પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બુધવારે એક એવો નજારો જોવા મળ્યો જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. ચૂંટણીના મેદાનમાં જે નેતાઓ એકબીજા સામે આકરા પ્રહારો કરતા હતા, તેઓ આજે ભાઈચારાના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. 'આમ જનતા ઉન્નયન પાર્ટી'ના વડા અને નવાદાના નવનિયુક્ત ધારાસભ્ય હુમાયુ કબીર જ્યારે ગૃહમાં શપથ લેવા પહોંચ્યા ત્યારે તેઓ માત્ર શબ્દો નહીં, પણ ૫૦૦ નંગ ચણાબારા અને ૧૫૦ મનોહરા મીઠાઈના ટુકડા સાથે લાવ્યા હતા.

દુશ્મનાવટ ભૂલી મુખ્યમંત્રીને લગાવ્યા ગળે

હુમાયુ કબીરનું પરિવર્તન આખા ગૃહમાં ચર્ચાનો વિષય બન્યું હતું. તેમણે શપથ લીધા બાદ સીધા જ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પાસે પહોંચીને તેમને ગળે લગાવ્યા હતા. એટલું જ નહીં, તેમણે મુખ્યમંત્રીની પ્રશંસા કરતા તેમને 'સારા માણસ' ગણાવ્યા હતા. હુમાયુએ કહ્યું કે, "રાજકારણમાં ઘણી ઉથલપાથલ અને કડવાશ જોવા મળી છે, હવે વાતાવરણને મધુર બનાવવાની જરૂર છે. હું શાસક પક્ષ અને વિપક્ષ બંને માટે આ ખાસ મીઠાઈઓ લાવ્યો છું જેથી બધાના મોઢા મીઠા થાય અને નવી સરકાર શાંતિથી કામ કરે."

વિવાદોના વંટોળ બાદ વિજયનો સ્વાદ

ચૂંટણી દરમિયાન હુમાયુ કબીર અનેક વિવાદોમાં ઘેરાયેલા રહ્યા હતા. બાબરી મસ્જિદના મુદ્દે તેમના નિવેદનો અને વાયરલ વીડિયોને કારણે AIMIM એ તેમની સાથે છેડો ફાડ્યો હતો. જોકે, આ તમામ વિરોધ વચ્ચે પણ તેઓ નવાદા અને રેજીનગર એમ બે બેઠકો પર વિજય મેળવવામાં સફળ રહ્યા હતા. ગૃહમાં તેમણે જૂની કડવાશ ભૂલીને નવી શરૂઆત કરવાનો સંદેશ આપ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "મારું ઘણું અપમાન થયું હતું, પણ આજે મારે કંઈ યાદ રાખવું નથી. પશ્ચિમ બંગાળ હવે રાજકીય યુદ્ધભૂમિ બની ગયું છે, જે હવે વિકાસની ભૂમિ બનવી જોઈએ."

ગૃહમાં મીઠાઈની લિજ્જત

મુર્શિદાબાદની પ્રખ્યાત 'ચણાબારા' અને હુગલીની 'મનોહરા' મીઠાઈના સ્વાદે ધારાસભ્યોના મૂડને હળવો કરી દીધો હતો. હુમાયુ કબીરની સાથે મુર્શિદાબાદના અન્ય ત્રણ તૃણમૂલ ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ ઘટનાએ સાબિત કરી દીધું કે લોકશાહીમાં મતભેદો હોવા છતાં સૌહાર્દપૂર્ણ સંબંધો શક્ય છે. હુમાયુ કબીરનો આ ૩૬૦ ડિગ્રી બદલાવ અત્યારે બંગાળના રાજકારણમાં હોટ ટોપિક બન્યો છે.

(7:59 PM IST)