તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંભવિત જામનગર પ્રવાસને લઈ તંત્ર સજ્જ :લાલ બંગલાથી સર્કિટ હાઉસ સુધી ઉચ્ચસ્તરીય સમીક્ષા
જિલ્લા કલેકટર પરિમલ પંડ્યા સાથે સાંસદ પૂનમબેન માડમ: ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના પદાધિકારીઓ પણ જોડાયા

જામનગરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી દસમી અને અગિયારમી મેના સંભવિત પ્રવાસને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા અને વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. વડાપ્રધાનના આગમન પૂર્વે શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોમાં તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવા માટે આજે લાલ બંગલા સર્કલ તથા સર્કિટ હાઉસ વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંયુક્ત નિરીક્ષણ હાથ ધરાયું હતું.
આ નિરીક્ષણ દરમિયાન મુખ્ય માર્ગો, સંભવિત કાર્યક્રમ સ્થળો, વાહન વ્યવસ્થા, સુરક્ષા બંદોબસ્ત તથા વી.આઈ.પી. અવરજવર અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. શહેર પોલીસ, વાહન વ્યવહાર શાખા તથા અન્ય સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખીને વિવિધ વ્યવસ્થાઓ વધુ સઘન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
કાર્યક્રમની તૈયારીઓ અને રૂટ નિરીક્ષણ દરમિયાન જામનગરના જિલ્લા કલેક્ટર પરિમલ પંડ્યા, જામનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ, મહાનગર પાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જામનગર મહાનગરના પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા યોગેશભાઈ દવે ભાવેશભાઈ ઠુંમર જામનગર મહાનગરપાલિકાના આશિક કમિશનર ભાવેશચાની મુકેશભાઈ તેમજ અન્ય અગ્રણીઓ તથા પક્ષના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનના સંભવિત આગમનને પગલે સમગ્ર શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ તેજ બની છે અને તંત્ર દ્વારા દરેક વ્યવસ્થાની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. (તસવીરો : કિંજલ કારસરીયા,જામનગર)
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
