<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

પ્રદૂષણ સામે દિલ્હીની લડાઈમાં તંત્રની સુસ્તી: 505 રોડ સ્વીપિંગ મશીનોની જરૂરિયાત સામે હાલ માત્ર 78 જ ઉપલબ્ધ : ખરીદીની ધીમી પ્રક્રિયાથી સફાઈ અભિયાન અધૂરું!

એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં રાજધાનીના રસ્તાઓ પરથી ધૂળ હટાવવા માટેના આધુનિક મશીનોની ખરીદીમાં ટેન્ડર અને વર્ક ઓર્ડરની ફાઈલોમાં જ 8 મહિનાનો સમય વેડફાઈ ગયો : જ્યારે મેયર પરવેશ વાહીએ બાકીના 58 મશીનો ડિસેમ્બર સુધીમાં કાફલામાં જોડાઈ જવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં વધતા જતા વાયુ પ્રદૂષણ અને રસ્તાઓ પર ઉડતી ધૂળને નિયંત્રિત કરવા માટે તંત્રની તૈયારીઓની પોલ ખુલી ગઈ છે. પ્રદૂષણ સામેની આ નિર્ણાયક લડાઈમાં દિલ્હીના રસ્તાઓ સાફ કરવા માટે કુલ 505 યાંત્રિક રોડ સ્વીપિંગ મશીનો ની તાતી જરૂરિયાત છે, પરંતુ તેની સામે હાલમાં માત્ર 78 મશીનો જ ઉપલબ્ધ છે. એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આધુનિક મશીનો મેળવવા અને તેને રસ્તા પર તૈનાત કરવાની પ્રક્રિયા અત્યંત ધીમી ગતિએ ચાલી રહી હોવાથી શિયાળાની ઋતુમાં પ્રદૂષણનો સામનો કરી રહેલા દિલ્હીવાસીઓને સમયસર રાહત મળી શકી નથી.

આ મામલે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ના મેયર પરવેશ વાહીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અગાઉ દિલ્હીમાં 66 મશીનો કાર્યરત હતા, અને ગયા વર્ષે 70 નવા મશીનો માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાંથી અત્યાર સુધીમાં માત્ર 12 મશીનો જ આવ્યા છે, જેનાથી કુલ સંખ્યા 78 પર પહોંચી છે. હજુ પણ 58 મશીનો આવવાના બાકી છે, જેની ટેન્ડર મુજબની સમયમર્યાદા માર્ચ 2027 સુધીની છે, જોકે કોર્પોરેશન ડિસેમ્બર મહિના સુધીમાં જ આ તમામ મશીનો મેળવી લેવાનું લક્ષ્ય રાખી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીની રોડ સફાઈ પ્રણાલીમાં મશીનોની તીવ્ર અછતનો મુદ્દો મે 2026 માં પણ જોરશોરથી ઉઠ્યો હતો, જેના પગલે MCD એ વધારાના 70 મશીનો ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હતી અને ઓક્ટોબર સુધીમાં તેને કાફલામાં સામેલ કરવાનો દાવો કર્યો હતો. પરંતુ સરકારી વહીવટીતંત્રની ઢીલી નીતિને કારણે માત્ર ટેન્ડર જારી કરવામાં જ 106 દિવસ અને ત્યારબાદ વર્ક ઓર્ડર આપવામાં બીજા 145 દિવસ એમ કુલ આઠ મહિનાથી વધુ સમય નીકળી ગયો, જેના કારણે દિલ્હીના રસ્તાઓ પરથી ધૂળ સાફ કરવાની કામગીરી હજુ પણ અધૂરી જણાઈ રહી છે.

(11:01 PM IST)