News of Monday, 25th May 2026
‘‘મને ઘરે લઈ જાઓ..'' દહેજનો ભોગ બનેલી ૩ યુવતીની કરૂણતા
સામાજિક દબાણ અને લગ્ન બચાવવાની માનસિકતાએ પિયરમાં પરત ફરવા દીધી નહીં : દહેજને સ્ટેટસ સિમ્બોલ છૂટાછેડાને કલંક માનતા સમાજ સામે અનેક સવાલા

નવી દિલ્હી તા.૨૫: મને ઘરે લઈ જાઓ.. ની ગુહાર, સાસરીમાં સતત દહેજની માગણી અને અમાનુષી ત્રાસની ત્રણ યુવતીની કરુણ કહાનીએ સમગ્ર દેશના અતરાત્માને હચમચાવી નાંખ્યો હતો. ત્રણેય યુવતીઓ પોતાના વૈવાહિક જીવનમાં દહેજની માંગ અને માનસિક-શારીરિક ત્રાસનો ભોગ બની હતી, પરંતુ સમાજના દબાણ અને 'લગ્ન બચાવવા'ની માનસિકતાએ તેમને પિયર પરત ફરવા દીધી નહીં. અંતે ત્રણેયનાં મોત થયાં હતાં, જેના કારણે ફરી એકવાર દહેજ પ્રથા અને મહિલાઓની સુરક્ષા અંગે ગંભીરસવાલો ઊભા થાય છે. ભોપાલની ટ્વીશા શર્મા, નોઈડાની દીપિકા નાગર અને ગ્વાલિયરની પલક રંજન ક્યારેય તેમના માતાપિતાના ઘરે સુરક્ષિત પાછા ફરી શકી નહીં. ત્રણેય કિસ્સાઓમાં પરિવારોએ આરોપ લગાવ્યો હતો કે સાસરિયાઓ પૈસા અને ભેટો દ્વારા દહેજની માંગણી કરતા અને તેમની દીકરીઓને માનસિક અને શારીરિક રીતે હેરાન કરતા હતા. સમાજમાં હજુ પણ છૂટાછેડાને કલંક માનવામાં આવે છે, જ્યારે દહેજને ગીફટ'' અને ‘‘સ્ટેટસ સિમ્બોલ તરીકે સ્વીકારી લેવામાં આવ્યું છે.
ટૂટ્વીશા, દીપિકા અને પલક ત્રણેયે મૃત્યુ પહેલાં પોતાના પરિવાર સાથે સંપર્ક કરી મદદ માંગી હતી. ટ્વીશાએ માતાને ઘરે લઈ જવાની વિનંતી કરી હતી, દીપિકાએ પિતાને ફોન કરીને દહેજ માટે મારપીટ થતી હોવાની ફરિયાદ કરી હતી, જ્યારે પલકે પણ મૃત્યુ પહેલાં પોતાના ભાઈ સાથે વાતચીત કરી હતી. આ ત્રણેય યુવતીઓના મોત ઘણા કાનૂની અને સામાજિક સવાલો ઊભો કરે છે અને તેના જવાબોમાં પણ આપણા સામાજિક માળખામાં જ પડેલા છે. ફોરેન્સિક સાઈકોલોજિસ્ટ ડો. દીપ્તિ પુરાણિકના જણાવ્યા પ્રમાણે મહિલાઓને બાળપણથી જ કોઈપણ ભોગે લગ્ન બચાવવાની માનસિકતા આપવામાં આવે છે, જેના કારણે તેઓ ઝેરી સંબંધમાંથી બહાર નીકળવાનો નિર્ણય લઈ શકતી નથી.
પાંચ મહિનાના મુશ્કેલીભર્યા લગ્નજીવન પછી ૧૨ મેએ ટ્વીશા લટકતી હાલતમાં મળી આવી હતી. લગ્નના માંડ એક વર્ષ પછી ગ્વાલિયરમાં તે જ દિવસે તે જ રીતે, પલકે પોતાના જીવનો અંત આણ્યો હતો. પાંચ દિવસ પછી અને સેંકડો કિલોમીટર દૂર દીપિકાએ ૧૭મેએ તેના સાસરિયાના ગ્રેટર નોઈડા સ્થિત ઘરેથી કૂદી પડી હતી.
દહેજથી દરરોજ સરેરાશ ૧૬ મહિલાનાં મોત
ભારતમાં દરરોજ સરેરાશ ૬ મહિલાઓ દહેજને કારણે મૃત્યુ પામે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના તાજેતરના આંકડા મુજબ, ૨૦૨૪માં ૫ ૭૩૭ દહેજના કારણે મૃત્યુ થયા હતાં, જે એક વર્ષ પહેલા ૬, ૧૫૬થી ઓછા હતાં, પરંતુ હજુ પણ દર મહિને ૪૭૮ મહિલાને મોત થાય છે. આ ઉપરાંત, ભારતીય ન્યાય સંહિતાની કલમ ૮૦ હેઠળ ૫૯,૪૪૬ કેસ દેશભરની વિવિધ અદાલતોમાં ટ્રાયલ માટે પેન્ડિંગ છે, જેમાં દોષિત ઠેરવવાનો દર માત્ર ૬ ટકા છે
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
