તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
મુંબઈના કલ્યાણમાં અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવીને વૃદ્ધ ઢોંગી બાબાએ 15 વર્ષની માસૂમ સગીરાને પીંખી નાખી :ધરપકડ
આરોપી શાહિદ પૂજા કરવાના બહાને પીડિતાના ઘરે આવ્યો જ્યારે સગીરા ઘરમાં એકલી હતી, ત્યારે આરોપીએ તકનો લાભ ઉઠાવી તેની સાથે બળજબરી કરી

મહારાષ્ટ્રના કલ્યાણ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવીને એક વૃદ્ધ ઢોંગી બાબાએ 15 વર્ષની માસૂમ સગીરાની જિંદગી બરબાદ કરી દીધી છે. ઘરની મુશ્કેલીઓ દૂર કરવા અને પૂજાપાઠ કરવાના બહાને ઘરમાં પ્રવેશેલા આ નરાધમે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ ઘટના પ્રકાશમાં આવતા જ સમગ્ર કલ્યાણ પંથકમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કલ્યાણના એસીપી અશોક હોનમાને દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, આ કેસમાં 78 વર્ષીય આરોપી શાહિદ શેખે પીડિત સગીરાની માતાને વિશ્વાસમાં લીધી હતી. આરોપીએ મહિલાને ડરાવી હતી કે તેના ઘરમાં કોઈ પ્રકારની બાધા કે નકારાત્મક શક્તિ છે, જેને દૂર કરવા માટે વિશેષ પૂજાપાઠ કરવા પડશે. આ અંધશ્રદ્ધામાં ફસાયેલી માતાએ આરોપીને પૂજા માટે ઘરે આવવાની મંજૂરી આપી હતી, જેનો ગેરલાભ ઉઠાવીને આ ઢોંગી બાબાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
આરોપી શાહિદ પૂજા કરવાના બહાને પીડિતાના ઘરે આવ્યો હતો. જ્યારે સગીરા ઘરમાં એકલી હતી, ત્યારે આરોપીએ તકનો લાભ ઉઠાવી તેની સાથે બળજબરી કરી હતી. આ ઘટનાની જાણ જ્યારે સગીરાએ તેની માતાને કરી ત્યારે માતાના હોશ ઉડી ગયા હતા. વિલંબ કર્યા વગર માતાએ કલ્યાણ પશ્ચિમના ખડકપાડા પોલીસ સ્ટેશનમાં જઈને આ નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મામલાની ગંભીરતાને જોતા કલ્યાણની ખડકપાડા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 78 વર્ષીય આરોપી શાહિદ શેખની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ, જાદુટોણા વિરોધી કાયદો અને દુષ્કર્મ સહિતની અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તેની કડક પૂછપરછ ચાલી રહી છે.
પોલીસે આ કેસમાં અલગ-અલગ એન્ગલથી તપાસ શરૂ કરી છે. પોલીસ એ પણ તપાસી રહી છે કે શું આ ઢોંગી બાબાએ અગાઉ પણ કોઈ અન્ય મહિલાઓ કે સગીરાઓને શિકાર બનાવી છે કે કેમ. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે અંધશ્રદ્ધામાં આવીને અજાણી વ્યક્તિઓ પર ભરોસો કરવો કેટલો જોખમી સાબિત થઈ શકે છે. પોલીસ અધિકારીઓએ લોકોને આવા લેભાગુ તત્વોથી સાવધ રહેવા અપીલ કરી છે.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
