તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
મુંબઈ ૨૬/૧૧ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના દીકરા તલહાનું ભારત વિરુદ્ધ ઝેર: પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરના કર્યા જાહેરમાં વખાણ
પાકિસ્તાનમાં આતંકવાદી નેટવર્કને ખુલ્લેઆમ મળી રહેલી છૂટનો ખુલાસો: શેખુપુરાની જનસભામાં જેહાદ ચાલુ રાખવાની ખુલ્લી ધમકી આપતો વીડિયો વાયરલ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં આતંકવાદીઓને મળી રહેલા સરકારી અને લશ્કરી સંરક્ષણનો વધુ એક સજ્જડ પુરાવો આંતરરાષ્ટ્રીય મંચ પર ખુલ્લો પડ્યો છે. મુંબઈ ૨૬/૧૧ ના ભયાનક આતંકી હુમલાના મુખ્ય સૂત્રધાર અને લશ્કર-એ-તૈયબા (LeT) ના સ્થાપક હાફિઝ સઈદનો દીકરો તલહા સઈદ હવે આતંકવાદના મેદાનમાં ખુલ્લેઆમ સક્રિય થયો છે. ભારત વિરુદ્ધ સતત ઝેર ઓંકતા તલહા સઈદે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરના જાહેરમાં ભવ્ય વખાણ કર્યા છે, જેનાથી પાકિસ્તાની સૈન્ય અને આતંકવાદી સંગઠનો વચ્ચેના ઘનિષ્ઠ સંબંધો ફરી એકવાર છતા થયા છે.
પાકિસ્તાનના શેખુપુરા વિસ્તારમાં આયોજિત એક જાહેર સભાને સંબોધતા ભારત દ્વારા ઘોષિત આતંકવાદી તલહા સઈદે કહ્યું કે, આર્મી ચીફ અસીમ મુનીર કુરાનના હાફિઝ છે અને તેમણે ઈમાન, સંયમ તેમજ જેહાદના વિચારોને ફરીથી જીવંત કર્યા છે. પોતાની નાપાક યોજનાઓ વ્યક્ત કરતા તેણે સોગંદ લીધા હતા કે જ્યાં સુધી તે જીવિત અને સક્ષમ છે ત્યાં સુધી ભારત સામે જેહાદી અભિયાન બેરોકટોક ચાલુ રહેશે. આ ઉપરાંત, તેણે દિલ્હી પર મુસ્લિમોના ૫૦૦ વર્ષના શાસનનો હવાલો આપીને ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વૈશ્વિક સ્તરે ચર્ચા જાગી છે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારે ચાર વર્ષ પહેલાં જ તલહા સઈદને આતંકવાદી જાહેર કર્યો હતો. તે મુખ્યત્વે આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડિંગ એકત્ર કરવા, યુવાનોને બ્રેઈનવોશ કરીને આતંકવાદ તરફ ધકેલવા અને જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં ઘૂસણખોરી વધારવાના કાવતરાઓમાં સામેલ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણ છતાં પાકિસ્તાનમાં પ્રતિબંધિત આતંકી સંગઠનોના વડાઓનું આ રીતે જાહેરમાં સ્ટેજ પરથી ભાષણ આપવું એ બાબતની સાબિતી છે કે પાકિસ્તાન હજુ પણ આતંકવાદની ફેક્ટરી સમાન બનેલું છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
