<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનનો નવો ક્રૂર ફતવો: 'કુંવારી છોકરીનું મૌન એટલે લગ્ન માટેની હા' ગણાશે

કૌટુંબિક કાયદાના નામે બાળ લગ્નને સત્તાવાર મંજૂરી આપતા આતંકી સંગઠનના આદેશથી વૈશ્વિક સ્તરે ભારે રોષ; સ્ત્રીઓના પાયાના અધિકારો છીનવીને અંધકાર યુગ તરફ ધકેલવાનો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચંડ વિરોધ.

કાબુલ: અફઘાનિસ્તાનની સત્તા પર બંદૂકના જોરે કબજો જમાવીને બેઠેલા તાલિબાન શાસને ફરી એકવાર મહિલા વિરોધી માનસિકતાનું વરવું પ્રદર્શન કર્યું છે. તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબાતુલ્લાહ અખુંદઝાદા દ્વારા મંજૂર કરવામાં આવેલા એક અત્યંત વિવાદાસ્પદ અને નવા કૌટુંબિક કાયદાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયેલા આ કાયદા અંતર્ગત હવે સગીર અને કુંવારી દીકરીઓના મૌનને લગ્ન માટેની આખરી સંમતિ માની લેવામાં આવશે, જે સીધા શબ્દોમાં બાળ લગ્નને કાનૂની પીઠબળ પૂરું પાડે છે.

"જીવનસાથીઓ વચ્ચે અલગ થવાના સિદ્ધાંતો" નામના આ ૩૧ ફકરાના કાળા કાયદામાં લગ્ન, છૂટાછેડા અને સગીરોની જિંદગીને બરબાદ કરતા અસંખ્ય નિયમો થોપી દેવામાં આવ્યા છે. આ દસ્તાવેજની સૌથી આઘાતજનક જોગવાઈ એ છે કે, જો કોઈ છોકરી તરુણાવસ્થામાં પ્રવેશે અને તેના લગ્ન માટે પૂછવામાં આવતા તે ડર કે મર્યાદાના કારણે મૌન રહે, તો તાલિબાની ન્યાયતંત્ર તેને લગ્ન માટેની મંજૂરી ગણશે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે આ જ કાયદામાં છોકરાઓ કે અગાઉ પરિણીત મહિલાઓના મૌનને સંમતિ માનવાનો સાફ ઇનકાર કરાયો છે.

આ નવા ફતવા મુજબ બાળ લગ્નની બાબતમાં પિતા અને દાદાને અમર્યાદિત સત્તાઓ સોંપી દેવામાં આવી છે. જો પિતા કે દાદા સિવાયનો અન્ય કોઈ નજીકનો સંબંધી પણ કોઈ નાની ઉંમરની બાળકીના લગ્ન કરાવી દે, તો પણ તાલિબાન સરકાર તેને કાયદેસર માન્યતા આપશે. જો બાળકી પુખ્ત વયની થયા પછી આ લગ્ન રદ કરવા ઈચ્છે, તો તેણે તાલિબાનની કડક અદાલતોના ચક્કર કાપવા પડશે અને ન્યાયાધીશની મંજૂરી વિના આ લગ્ન બંધનમાંથી મુક્તિ મેળવવી અશક્ય બની જશે, જે વ્યવહારિક રીતે દીકરીઓ માટે ગુલામી સમાન છે.

તાલિબાનના આ આપખુદશાહી દસ્તાવેજમાં સ્થાનિક ન્યાયાધીશોને અસાધારણ સત્તાઓ સોંપવામાં આવી છે. આ ન્યાયાધીશો હવે વ્યભિચારના આરોપો, ધર્મ પરિવર્તન અને પ્રાચીન ઇસ્લામિક પ્રથા 'ઝિહાર' જેવા મામલાઓમાં સીધો હસ્તક્ષેપ કરીને મહિલાઓને જેલના સળિયા પાછળ ધકેલી શકશે અથવા આકરી સજા ફટકારી શકશે. વર્ષ ૨૦૨૧ માં સત્તા સંભાળ્યા બાદ તાલિબાને અફઘાનિસ્તાનની દીકરીઓને છઠ્ઠા ધોરણથી આગળ ભણવા પર, યુનિવર્સિટી જવા પર અને નોકરી કે મુસાફરી કરવા પર ઓલરેડી કડક પ્રતિબંધો લાદી દીધેલા છે.

આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનો અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તાલિબાનની આ નીતિઓને "લિંગ રંગભેદ" એટલે કે સ્ત્રીઓ વિરૂદ્ધના આયોજનબદ્ધ ગુના તરીકે ઓળખાવવામાં આવી છે. વૈશ્વિક સંસ્થાઓના અહેવાલો દર્શાવે છે કે અફઘાનિસ્તાનમાં પ્રવર્તતી અત્યંત ગરીબી અને કડક આદેશોને કારણે પહેલેથી જ ત્રીજા ભાગની દીકરીઓ ૧૮ વર્ષની ઉંમર પહેલા લગ્નના મંડપે ચડાવી દેવાય છે. તેવામાં તાલિબાન શાસન દ્વારા આ નવા કાયદાને સત્તાવાર ગેઝેટમાં સ્થાન અપાતા અફઘાનિસ્તાનની સ્ત્રીઓનું અસ્તિત્વ અને ભવિષ્ય સંપૂર્ણપણે જોખમમાં મુકાઈ ગયું છે.

(3:25 PM IST)