<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

'UPI પર GST લાગવાની વાત માત્ર અફવા': ૧૫ ઓક્ટોબરથી લાગુ થનારા MDR ચાર્જ પર સરકારી સૂત્રોની મોટી સ્પષ્ટતા, વેપારીઓને મળશે ITC નો લાભ!

રૂ. ૨,૦૦૦ થી વધુના ટ્રાન્ઝેક્શન પર લાગનારા ૦.૪% MDR થી રોકડ લેવડદેવડ નહીં વધે: ૧૮% GST માત્ર પ્રોસેસિંગ ફી પર લાગશે, સમગ્ર ટ્રાન્ઝેક્શન વેલ્યુ પર નહીં

નવી દિલ્હી : ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈ (UPI) પર ૧૫ ઓક્ટોબરથી રૂ. ૨,૦૦૦ થી વધુના વ્યવહારો (P2M) પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાના નિર્ણય બાદ વેપારી આલમમાં ૧૮ ટકા જીએસટી (GST) ને લઈને મોટો ભ્રમ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. આ મુદ્દે વેપારીઓની ચિંતા દૂર કરતા સરકારી સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે "UPI ચૂકવણીઓ પર જીએસટી લાગવાની વાતો માત્ર એક અફવા છે." સરકારના જણાવ્યા મુજબ, ૧૮ ટકા GST એ મૂળ ટ્રાન્ઝેક્શનની રકમ પર નહીં, પરંતુ બેંકો દ્વારા વસૂલવામાં આવતા MDR ચાર્જ પર લાગશે અને નોંધાયેલા વેપારીઓને તેની સામે 'ઇનપુટ ટેક્સ ક્રેડિટ' (ITC) નો પૂરો લાભ મળશે.

 

સરકારી વર્તુળોના જણાવ્યા અનુસાર, ૧૫ ઓક્ટોબરથી નવા નિયમો અમલી બન્યા પછી પણ ગ્રાહકો કે વેપારીઓ રોકડ વ્યવહારો તરફ પાછા વળશે અથવા UPI નો વપરાશ ઘટશે તેવી કોઈ શક્યતા નથી. જો કોઈ વહીવટી કે ટેકનિકલ મુશ્કેલી ઊભી થશે તો GST કાઉન્સિલ દ્વારા તેની તાત્કાલિક સમીક્ષા કરવામાં આવશે. નવી વ્યવસ્થા હેઠળ રૂ. ૨,૦૦૦ થી વધુના P2M પેમેન્ટ પર ૦.૪% MDR (મહત્તમ રૂ. ૩૦૦) લાગુ થશે, જ્યારે રેલ્વે, ટેલિકોમ, વીમા અને બળતણ જેવા ક્ષેત્રો માટે રૂ. ૨,૦૦૦ થી વધુના ટ્રાન્ઝેક્શન પર માત્ર રૂ. ૫ નો ફ્લેટ દર નક્કી કરાયો છે.

 

ટેક્સ નિષ્ણાતો અને AMRG ગ્લોબલના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી સરકારને વાર્ષિક આશરે ₹૩,૫૦૦ થી ₹૫,૦૦૦ કરોડની વધારાની GST આવક થઈ શકે છે. જોકે, GST હેઠળ નોંધાયેલા મોટાભાગના વેપારીઓ માટે આ ટેક્સ કોઈ વધારાનો બોજ નહીં બને, કારણ કે તેઓ પોતાની આઉટપુટ GST જવાબદારી સામે આ ITC ને સેટ-ઓફ (ભરપાઈ) કરી શકશે. પરંતુ, જે વેપારીઓ GST મુક્ત માલ-સેવાઓનો વેપાર કરે છે અને જેમની પાસે આઉટપુટ ટેક્સની જવાબદારી નથી, તેમણે આ ચાર્જ પોતે ભોગવવો પડશે. નાના વેપારીઓ અને રૂ. ૨,૦૦૦ સુધીના રોજના નાના વ્યવહારોને આમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.

(8:06 PM IST)