<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

મધ્ય પૂર્વમાં યુદ્ધવિરામની આશા : ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકાના ૧૪ મુદ્દાના શાંતિ પ્રસ્તાવનો જવાબ મોકલ્યો

રાષ્ટ્રપતિ ટ્રમ્પના પત્ર બાદ ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું એલાન - વાતચીતનો અર્થ આત્મસમર્પણ નથી, રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે દુશ્મન સામે માથું નહીં ઝુકાવીએ : પરમાણુ ગતિવિધિઓ અને પ્રતિબંધોમાં રાહતની દરખાસ્ત

તેહરાન : મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા ભયાનક સંઘર્ષ અને યુદ્ધનો અંત લાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા રાજદ્વારી હિલચાલ તેજ થઈ છે. અમેરિકા દ્વારા મોકલવામાં આવેલા શાંતિ પ્રસ્તાવ પર ઈરાને પોતાનો પ્રતિભાવ આપી દીધો છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, આ મહત્વપૂર્ણ જવાબ પાકિસ્તાન મારફતે અમેરિકા સુધી પહોંચાડવામાં આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે આશા વ્યક્ત કરી હતી કે તણાવ ઘટાડવા અને યુદ્ધ જેવી સ્થિતિ રોકવા માટે ઈરાન ટૂંક સમયમાં સકારાત્મક પ્રતિસાદ આપશે.

અમેરિકા દ્વારા મોકલવામાં આવેલો આ પ્રસ્તાવ એક પેજનો અને ૧૪ મુદ્દાનો જ્ઞાપન (મેમોરેન્ડમ) હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે વધતા સંઘર્ષને અટકાવીને ઔપચારિક વાર્તાલાપ શરૂ કરવાનો છે. આ સમજૂતી હેઠળ એવી દરખાસ્ત મૂકવામાં આવી છે કે ઈરાન તેની પરમાણુ સંવર્ધન પ્રવૃત્તિઓ પર રોક લગાવશે, જેના બદલામાં અમેરિકા ઈરાન પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોમાં ઢીલ આપશે અને ઈરાનની ફ્રીઝ કરાયેલી અબજો ડોલરની સંપત્તિ મુક્ત કરવા પર વિચાર કરશે.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન દ્વારા આ મામલે કડક વલણ સાથે સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, ઈરાન ક્યારેય પણ દુશ્મન સામે મસ્તક નમાવશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે જો સંવાદ કે વાતચીતની પહેલ કરવામાં આવે છે, તો તેનો અર્થ આત્મસમર્પણ કે પીછેહઠ બિલકુલ નથી. ઈરાનનો મુખ્ય લક્ષ્ય પોતાના અધિકારોને કાયમ રાખવાનો અને રાષ્ટ્રીય હિતોનું પૂરી મજબૂતી સાથે રક્ષણ કરવાનો છે. રાષ્ટ્રપતિના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઈરાન સન્માનજનક શરતો સાથે જ શાંતિ પ્રક્રિયામાં આગળ વધવા માંગે છે.

શાંતિ વાટાઘાટોના પ્રયાસો છતાં મેદાન પર હજુ પણ તણાવ યથાવત જોવા મળી રહ્યો છે. ઈઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત હુમલાઓ બાદ શરૂ થયેલું આ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. અગાઉ પાકિસ્તાનમાં થયેલી શાંતિ મંત્રણાઓ નિષ્ફળ રહી હતી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પ્રતિબંધોને લઈને પણ વિવાદ વકર્યો હતો. આ દરમિયાન ઈરાનના સશસ્ત્ર દળના કમાન્ડના પ્રમુખ અલી અબ્દોલ્લાહીએ સર્વોચ્ચ નેતા મોજતબા ખામૈની સાથે મુલાકાત કરી હતી. મોજતબા ખામૈનીએ અબ્દોલ્લાહીને લશ્કરી અભિયાનો ચાલુ રાખવા અને દુશ્મનોનો મજબૂતીથી સામનો કરવા આદેશ આપ્યો છે, જે દર્શાવે છે કે શાંતિના પ્રયાસો છતાં ઈરાન લશ્કરી રીતે સજ્જ છે.

(8:24 PM IST)