તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
તમિલનાડુ સરકારનો અનોખો કીમિયો: દારૂની ખાલી બોટલ આપો અને ₹૧૦ રોકડા મેળવો! ચેન્નાઈમાં મુકાયું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વાળું ખાસ મશીન
દારૂની દુકાનો પર ગ્રાહકો પાસેથી થતી ઓવરચાર્જિંગની વસૂલાત અટકાવવા અને પર્યાવરણના રક્ષણ માટે તાસમેક (TASMAC) નો માસ્ટરસ્ટ્રોક: હાઈકોર્ટના આદેશ બાદ જંગલો અને પ્રવાસન સ્થળોને કાચના કચરાથી મુક્ત કરવા ભગીરથ પ્રયાસ

ચેન્નાઈ: દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં પર્યાવરણની જાળવણી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી રોકવા માટે એક અત્યંત રસપ્રદ અને હાઇ-ટેક પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) દ્વારા રાજ્યની રાજધાની ચેન્નાઈના એગમોર વિસ્તારમાં આવેલી એક સરકારી દારૂની દુકાન પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીથી સજ્જ એક વિશેષ 'બોટલ કલેક્ટિંગ રિવર્સ વેન્ડિંગ મશીન' ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ અનોખી યોજના હેઠળ જો કોઈ ગ્રાહક દારૂની ખાલી બોટલ આ મશીનમાં પરત કરશે, તો તેને બદલામાં ₹૧૦નું ડિજિટલ રિફંડ આપવામાં આવશે. હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલી આ પહેલ સોશિયલ મીડિયા પર ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ યોજના શરૂ કરવા પાછળ બે મુખ્ય કારણો છે. પ્રથમ તો તમિલનાડુમાં સરકારી દારૂની દુકાનો પર ગ્રાહકો પાસેથી પ્રિન્ટેડ કિંમત (MRP) કરતાં ₹૧૦ વધુ વસૂલવાની (ઓવરચાર્જિંગ) વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી, જેના પર આ મશીન લગામ કસશે. બીજું મહત્વનું કારણ પર્યાવરણ સુરક્ષાનું છે. હૈદરાબાદની પ્રખ્યાત વેસ્ટ મેનેજમેન્ટ કંપની 'રેસાયકલ' દ્વારા બનાવવામાં આવેલું આ આધુનિક મશીન એક સમયે અંદાજે ૩,૦૦૦ ખાલી બોટલોનો સંગ્રહ કરી શકે છે અને મશીન આખું ભરાઈ જતાં જ તે સંબંધિત એજન્સીને આપમેળે એલર્ટ (ચેતવણી) મોકલી દે છે.
આ રિવર્સ વેન્ડિંગ મશીન સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી, અદ્યતન કેમેરા અને સેન્સર્સ પર કામ કરે છે. જ્યારે કોઈ ગ્રાહક દારૂ પીધા પછી ખાલી બોટલ લઈને મશીન પાસે જાય છે, ત્યારે તેણે સૌપ્રથમ બોટલ પરનો બારકોડ અથવા ક્યુઆર (QR) કોડ મશીનના સ્કેનર સમક્ષ બતાવવાનો રહે છે. ત્યારબાદ બોટલને મશીનની અંદર નાખતાની સાથે જ તેના સેન્સર્સ બોટલનું કદ, બ્રાન્ડ અને તેની ગુણવત્તા ચકાસે છે. જો બોટલ બરાબર માપદંડ મુજબની માલૂમ પડે, તો મશીનની સ્ક્રીન પર એક નવો QR કોડ દેખાય છે. ગ્રાહક આ કોડને પોતાના મોબાઈલથી સ્કેન કરીને સીધા પોતાના UPI લિંક્ડ બેંક ખાતામાં ₹૧૦ જમા મેળવી શકે છે.
વાસ્તવમાં, તમિલનાડુના નીલગિરી અને કોડાઈકેનાલ જેવા હિલ સ્ટેશનો, પ્રવાસન સ્થળો અને ઘનઘોર જંગલોમાં લોકો દ્વારા ફેંકવામાં આવતી કાચની ખાલી બોટલો વન્યજીવો અને પર્યાવરણ માટે ભારે આફત બની ગઈ હતી. કાચના ટુકડા વાગવાથી અનેક વન્યજીવો ઘાયલ થતા હોવા અંગે મદ્રાસ હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી સરકારને કડક પગલાં લેવા આદેશ આપ્યો હતો. સામાન્ય રીતે લોકો દારૂ પીધા પછી બોટલો ગમે ત્યાં ફેંકી દેતા હોય છે, જેનાથી અકસ્માત અને ગંદકીનું જોખમ રહે છે. પરંતુ હવે ₹૧૦ પાછા મળવાની લાલચમાં લોકો ખાલી બોટલો કચરામાં ફેંકવાને બદલે આ મશીનમાં જમા કરાવશે, જેથી કચરાનો યોગ્ય નિકાલ થશે અને પ્રકૃતિ પણ સુરક્ષિત રહેશે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
