News of Saturday, 28th November 2026
સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક આદેશને પગલે તમિલનાડુના તિરુપરંકુન્દ્રમના દીપસ્તંભ પર આજે પ્રગટશે પવિત્ર જ્યોત
મંદિરના ટ્રસ્ટી મંડળને સસ્પેન્ડ કરી બે નિવૃત્ત ન્યાયાધીશોને વહીવટ સોંપાયો : રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની આકરી ઝાટકણી: મુખ્ય સચિવ, પોલીસ વડા સહિત ૧૩ને અવમાનનાની નોટિસ : મંદિર અને દરગાહની સુરક્ષા સીઆરપીએફને સોંપાઈ : સિકંદર દરગાહથી ઓછામાં ઓછા ૫૦ મીટરનું અંતર જાળવીને શ્રદ્ધાળુઓને દીપ પ્રગટાવવાની છૂટ આપવામાં આવી: મુસ્લિમ શ્રદ્ધાળુઓને દરગાહમાં પ્રવેશ કરવા કે પ્રાર્થના કરવામાં કોઈ અવરોધ ન આવે તેની તકેદારી રાખવા પણ અદાલતે આદેશ આપ્યો

નવી દિલ્હી તા. ૨૮ : તમિલનાડુના મદુરાઈ નજીક આવેલી ઐતિહાસિક તિરુપરંકુન્દ્રમ પહાડી પર કાર્તિકૈ દીપમના પવિત્ર દીપને પ્રગટાવવા અંગે ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે અત્યંત મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે આજે શનિવારે, ૨૮ નવેમ્બરે પહાડી પર આવેલા દીપથૂણ એટલે કે પથ્થરના દીપસ્તંભ પર પવિત્ર જ્યોત પ્રગટાવવાનો નિર્દેશ આપ્યો છે. અગાઉના આદેશનું પાલન નહીં થતાં નારાજ થયેલી સુપ્રીમ કોર્ટે મંદિરના સમગ્ર ટ્રસ્ટી મંડળને સસ્પેન્ડ કરી દીધું છે. મંદિરનો વહીવટ મદ્રાસ હાઈકોર્ટના બે નિવૃત્ત ન્યાયાધીશોને સોંપવામાં આવ્યો છે. સમગ્ર પહાડી, મંદિર અને નજીકની દરગાહની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય અનામત પોલીસ દળને આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર અને ન્યાયમૂર્તિ વિપુલ પંચોલીની ખંડપીઠે રાજ્યના વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું તમામ સરકારી અધિકારીઓ માટે બંધારણીય ફરજ છે. અદાલતના આદેશની મનસ્વી રીતે અવગણના કરવાની પરવાનગી કોઈને આપી શકાય નહીં.
શું છે તિરુપરંકુન્દ્રમનો વિવાદ?
તમિલનાડુના મદુરાઈ શહેર નજીક આવેલી આશરે ૧,૦૫૦ ફૂટ ઊંચી તિરુપરંકુન્દ્રમ પહાડી હિન્દુઓ, મુસ્લિમો અને જૈન ધર્મના ઐતિહાસિક વારસા સાથે સંકળાયેલી છે. પહાડીની તળેટીમાં ભગવાન કાર્તિકેય એટલે કે ભગવાન મુરુગનનું પ્રાચીન સુબ્રમણ્ય સ્વામી મંદિર આવેલું છે. ભગવાન મુરુગનનાં છ પ્રમુખ તીર્થસ્થાનોમાં આ મંદિરનો સમાવેશ થાય છે. પહાડીના ઉપરના ભાગે સુલતાન સિકંદર બાદશાહ ઔલિયાની દરગાહ આવેલી છે.
તમિલનાડુમાં કાર્તિકૈ દીપમનો તહેવાર વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. આ પર્વ દરમિયાન મંદિરો અને ઘરોમાં દીવાઓ પ્રગટાવવામાં આવે છે. હાલનો વિવાદ દરગાહ નજીક આવેલા પથ્થરના એક સ્તંભ પર પવિત્ર જ્યોત પ્રગટાવવા અંગેનો છે. હિન્દુ અરજદારોનું કહેવું છે કે આ પ્રાચીન દીપસ્તંભ છે, જ્યારે રાજ્ય સરકારે એવી દલીલ કરી હતી કે તે અંગ્રેજોના સમયનો જમીન માપણી માટેનો પથ્થર છે.
૧૦૦ વર્ષથી વધુ જૂનો છે જમીનની માલિકીનો વિવાદ
પહાડીની જમીનની માલિકી અંગે વર્ષ ૧૯૨૦માં અદાલતમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૨૩માં અદાલતે પહાડીનો મોટાભાગનો વિસ્તાર મંદિરની માલિકીનો હોવાનું ઠરાવ્યું હતું. જોકે દરગાહ અને તેની આસપાસના કેટલાક વિસ્તારો તથા ત્યાં પહોંચવાના માર્ગોના અધિકારોને પણ માન્યતા આપવામાં આવી હતી.
વર્ષ ૧૯૩૧માં લંડનની પ્રિવી કાઉન્સિલે આ મિલકત વિવાદ અંગે ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ વર્ષ ૧૯૯૪માં પહાડીની ટોચ પર દીપ પ્રગટાવવાનો મુદ્દો ફરી અદાલતમાં પહોંચ્યો હતો. વર્ષ ૧૯૯૬માં મદ્રાસ હાઈકોર્ટે ઉચી પિલ્લૈયાર મંદિર નજીક દીપ પ્રગટાવવા નિર્દેશ આપ્યો હતો. ત્યારથી લાંબા સમય સુધી ત્યાં દીપ પ્રગટાવવાની પરંપરા ચાલી આવતી હતી.
ડિસેમ્બર ૨૦૨૫માં વિવાદ ફરી સળગ્યો
હિન્દુ શ્રદ્ધાળુઓએ પહાડીના ઉપરના ભાગે આવેલા દીપસ્તંભ પર પણ દીપ પ્રગટાવવાની પરવાનગી મેળવવા મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ હાઈકોર્ટે પરંપરાગત સ્થળ ઉપરાંત દીપસ્તંભ પર પણ દીપ પ્રગટાવવાનો આદેશ આપ્યો હતો.
ત્યારબાદ ૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ મદ્રાસ હાઈકોર્ટની ખંડપીઠે પણ દીપસ્તંભ પર દીપ પ્રગટાવવાની મંજૂરીને સમર્થન આપ્યું હતું. જોકે સામાન્ય જનતાની ભાગીદારીને બદલે મર્યાદિત સંખ્યામાં મંદિરના અધિકૃત વ્યક્તિઓ દ્વારા ધાર્મિક વિધિ કરવાની શરત રાખવામાં આવી હતી. તમિલનાડુ સરકાર અને અન્ય પક્ષકારોએ આ મામલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ૨૦ નવેમ્બરના આદેશનું પાલન ન થતાં મામલો ગરમાયો
સુપ્રીમ કોર્ટે ૨૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ વચગાળાનો આદેશ આપીને ૨૪ નવેમ્બરે કાર્તિકૈ દીપમના તહેવાર નિમિત્તે વિવાદિત દીપસ્તંભ પર પવિત્ર જ્યોત પ્રગટાવવાની મંજૂરી આપી હતી. જોકે મંદિરના ટ્રસ્ટીઓએ પરંપરાગત સ્થળે જ દીપ પ્રગટાવવાનો ઠરાવ પસાર કર્યો હતો. પરિણામે વિવાદિત દીપસ્તંભ પર દીપ પ્રગટાવવામાં આવ્યો નહોતો.
રાજ્ય સરકારના વકીલોએ દલીલ કરી હતી કે ધાર્મિક વિધિ માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને નિર્ણય લેવામાં થયેલી ભૂલને જાણીજોઈને અદાલતના આદેશની અવગણના ગણાવી શકાય નહીં. જોકે સુપ્રીમ કોર્ટે પ્રથમદર્શી રીતે પોતાના આદેશની અવમાનના થઈ હોવાનું નોંધ્યું હતું.
મુખ્ય સચિવ અને પોલીસ વડા સહિત ૧૩ને ૧૫ ડિસેમ્બરે હાજર રહેવા આદેશ
સુપ્રીમ કોર્ટે તમિલનાડુના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, મદુરાઈના જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક, ધાર્મિક સંસ્થાઓના વહીવટ સાથે સંકળાયેલા અધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ સહિત કુલ ૧૩ વ્યક્તિઓને અદાલતની અવમાનના અંગે કારણદર્શક નોટિસ પાઠવી છે. તમામને ૧૫ ડિસેમ્બરે વ્યક્તિગત રીતે અદાલત સમક્ષ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મુખ્ય સચિવને સમગ્ર ઘટનાક્રમ, અધિકારીઓ વચ્ચે થયેલો પત્રવ્યવહાર અને ઈ-મેઇલ સહિતની વિગતો સોગંદનામા સાથે રજૂ કરવા પણ જણાવાયું છે.
મંદિરના વહીવટની જવાબદારી બે નિવૃત્ત ન્યાયાધીશોને
સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ એસ. વૈદ્યનાથન અને ન્યાયમૂર્તિ વી. પાર્થિબનની મંદિરના વહીવટ માટે નિમણૂક કરી છે. તેમની દેખરેખ હેઠળ આજે પવિત્ર દીપ પ્રગટાવવાની ધાર્મિક વિધિ કરવામાં આવશે.
સિકંદર દરગાહથી ઓછામાં ઓછા ૫૦ મીટરનું અંતર જાળવીને શ્રદ્ધાળુઓને દીપ પ્રગટાવવાની છૂટ આપવામાં આવી છે. મુસ્લિમ શ્રદ્ધાળુઓને દરગાહમાં પ્રવેશ કરવા કે પ્રાર્થના કરવામાં કોઈ અવરોધ ન આવે તેની તકેદારી રાખવા પણ અદાલતે આદેશ આપ્યો છે.
વિશ્વભરના લાખો શ્રદ્ધાળુઓને રાહત મળી છે : વકીલ સાઈ દીપક
અરજદાર રામા સુબ્બુના વકીલ જે. સાઈ દીપકે સુપ્રીમ કોર્ટના આદેશને આવકારતાં જણાવ્યું હતું કે લાંબા સમયથી આ વિવાદના ઉકેલની રાહ જોઈ રહેલા વિશ્વભરના ભગવાન મુરુગનના લાખો ભક્તોને રાહત મળી છે. તેમણે રાજ્યના વહીવટી તંત્ર અને મંદિરના ટ્રસ્ટીઓની કામગીરીની ટીકા કરી હતી. સ્થાનિક પોલીસે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગની કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
સુપ્રેિમનો આદેશ મહત્વપૂર્ણ, પરંતુ મૂળ વિવાદનો અંતિમ ચુકાદો હજુ બાકી
સુપ્રીમ કોર્ટના નવા આદેશથી આજે દીપસ્તંભ પર પવિત્ર જ્યોત પ્રગટાવવાનો માર્ગ મોકળો થયો છે. જોકે જમીનની માલિકી, ધાર્મિક પરંપરા અને ભવિષ્યમાં દર વર્ષે દીપ પ્રગટાવવાના અધિકાર અંગેની મૂળ કાનૂની કાર્યવાહીનો અંતિમ ચુકાદો હજુ આવ્યો નથી. અદાલતની અવમાનના અંગે પણ હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી.
બંને ફાઈલ તસવીરોમાં તિરુપરંકુન્દ્રમની પહાડી પર કાર્તિકૈ દીપમ પર્વ દરમિયાન પરંપરાગત સ્થળે પ્રગટાવવામાં આવેલી વિશાળ પવિત્ર જ્યોત અને મદુરાઈનું ઐતિહાસિક સુબ્રમણ્ય સ્વામી મંદિર અને વિવાદના કેન્દ્રમાં રહેલો પથ્થરનો દીપસ્તંભ (દીપથૂણ). દર્શાય છે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
