News of Friday, 27th November 2026
નંબર પ્લેટ છુપાવવી કે FASTag સાથે ચેડા કરવા હવે પડશે ભારે: ટોલ ચોરી કરનારા પર 5 ગણા દંડની તૈયારી
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે MLFF ટોલિંગ સિસ્ટમ હેઠળ નિર્ધારિત ટોલ ટેક્સ ઉપરાંત પાંચ ગણો દંડ ફટકારવાનો નિર્ણય લીધો : ₹100 ના ટોલ પર નિયમભંગ સાબિત થાય તો કુલ ₹600 ચૂકવવા પડશે અને અદ્યતન કેમેરા તથા રીડર્સ દ્વારા થશે કડક દેખરેખ

નવી દિલ્હી: હાઇવે પર ટોલ ટેક્સ બચાવવા માટે વાહનની નંબર પ્લેટ છુપાવનારા, તેની સાથે ચેડા કરનારા અથવા FASTag નો ઉપયોગ ન કરનારા વાહનચાલકો સામે કેન્દ્ર સરકાર હવે આકરા પાણીએ થવાની તૈયારી કરી રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે મલ્ટી-લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ હેઠળ નિયમોનો ભંગ કરનારા ડ્રાઇવરો પાસેથી નિર્ધારિત ટોલ ફી ઉપરાંત પાંચ ગણો દંડ વસૂલવાનો નિર્ણય લીધો છે, જેનો અર્થ એ છે કે દોષિત સાબિત થનાર ચાલકે સામાન્ય ટોલ કરતાં છ ગણી રકમ ચૂકવવી પડી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ સ્થળનો સામાન્ય ટોલ ટેક્સ ₹100 હોય અને ચાલક ટોલ ટાળવાના ઇરાદાથી નંબર પ્લેટ છુપાવે અથવા FASTag નો ઉપયોગ ન કરે, તો તેણે ₹100 મૂળ ટોલ અને ₹500 દંડ મળીને કુલ ₹600 ચૂકવવા પડશે, અને આ દંડની રકમ સંબંધિત અધિકારીને ટ્રાન્સફર કરવામાં આવશે.
આ કડક કાર્યવાહી મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) ટોલિંગ સિસ્ટમ હેઠળ લાગુ કરવામાં આવશે, જે આધુનિક ઇલેક્ટ્રોનિક ટોલ વ્યવસ્થા હોવાથી વાહનોને ટોલ પ્લાઝા પર રોકવાની જરૂર રહેતી નથી. રસ્તાની ઉપર ગેન્ટ્રી પર લગાવેલા FASTag રીડર્સ અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા વાહનોને ઓળખીને સીધી ટોલ ફી કાપે છે, જેનાથી ટોલ પ્લાઝા પર લાંબી કતારો, ટ્રાફિક જામ, બળતણનો બગાડ અને પ્રદૂષણ ઘટે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, પાંચ ગણો દંડ ત્યારે જ લાગુ થશે જ્યારે ડ્રાઇવરે ટોલ ફી ટાળવાના હેતુથી ઇરાદાપૂર્વક FASTag છુપાવ્યો હોય, તેની સાથે ચેડા કર્યા હોય, તેનો ઉપયોગ ન કર્યો હોય અથવા આગળ-પાછળની કે બંને નંબર પ્લેટ એવી રીતે છુપાવી હોય કે FASTag રીડર તેને શોધી ન શકે, અને આવા ઉલ્લંઘનોને અદ્યતન ટેકનોલોજી તથા મજબૂત દેખરેખ પ્રણાલી દ્વારા પકડી પાડવામાં આવશે.
હાલમાં જ્યાં MLFF ટોલિંગ સિસ્ટમ કાર્યરત છે ત્યાં તેમજ ભવિષ્યમાં આ સિસ્ટમ શરૂ થનારા નવા સ્થળોએ પણ આ દંડની વ્યવસ્થા લાગુ કરવાનો પ્રસ્તાવ છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે તમામ વાહનચાલકોને સ્પષ્ટ સલાહ આપી છે કે તેઓ વાહનની આગળ-પાછળની નંબર પ્લેટ હંમેશા સ્પષ્ટ અને દૃશ્યમાન રાખે, વાહન પર FASTag યોગ્ય રીતે લગાવેલું હોવાની ખાતરી કરે અને સમયસર ટોલ ચૂકવે, અન્યથા ટોલ ચોરીના કિસ્સામાં ભારે આર્થિક દંડનો સામનો કરવો પડી શકે છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
